ખેડૂતોનું 2 લાખ રૂપિયા સુધી દેવુ માફ થશે, આગામી માર્ચથી તેની પ્રક્રિયા શરૂ થશેઃ મુખ્યમંત્રી ઠાકરે

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

મહારાષ્ટ્રમાં ખેડૂતોનું 2 લાખ રૂપિયા સુધી દેવુ માફ થશે. રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ શનિવારે વિધાનસભામાં આ અંગે જાહેરાત કરી હતી. ઉદ્ધવ મુખ્યમંત્રી બન્યા બાદ સરકારે ખેડૂતોના હિતમાં લીધેલો આ સૌથી મોટો નિર્ણય છે. આ વર્ષે ચોમાસાની વિદાય સમયે ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. રાજ્યમાં ભારે વરસાદને લીધે પ્રાથમિક અંદાજ પ્રમાણે 94 લાખ 53 હજાર હેક્ટરમાં ઉભો પાક નાશ પામ્યો હતો. સોયાબીન અને કપાસના પાકને સૌથી વધારે નુકસાન થયું છે. અગાઉની સરકારે કેટલાક પ્રમાણમાં દેવાની ચુકવણીની શરતને આધિન ખેડૂત દીઠ દોઢ લાખ રૂપિયા સુધી દેવુ માફ કર્યું હતું.

સરકારે દેવા માફી યોજનાને ‘મહાત્મા જ્યોતિ રાવ ફુલે ખેડૂત દેવા માફી’ નામ આપ્યું છે. મુખ્યમંત્રી ઠાકરેએ વિધાનસભામાં કહ્યું હતું કે નિયમ પ્રમાણે 30મી સપ્ટેમ્બર,2019 સુધીના દેવા માફ થશે. દેવા માફીની પ્રક્રિયા માર્ચ,2020થી શરૂ થશે. કોંગ્રેસ નેતા પૃથ્વીરાજ ચવ્હાણે ગૃહની બહાર જણાવ્યું હતું કે 25 હજાર રૂપિયા પ્રતિ હેક્ટર પ્રમાણે દેવુ માફ કરવાનો નિર્ણય કર્યો છે. આ પ્રમાણે મહત્તમ 8 હેક્ટર સુધી 2 લાખની દેવા માફી કરવામાં આવશે.

ભાજપે સંપૂર્ણ દેવા માફીની માંગ સાથે ગૃહમાંથી વોકઆઉટ કર્યું.

પ્રધાન જયંત પાટીલે કહ્યું હતું કે મુખ્યમંત્રીએ ખેડૂતોને આપવામાં આવેલ દેવા માફીનું વચન પૂરુ કરવાની દિશામાં આ મોટું પગલું છે. આ સ્કીમનું નામ ‘મહાત્મા જ્યોતિ રાવ ફુલે ખેડૂત દેવા માફી’ આપવામાં આવ્યું છે. વિપક્ષે સંપૂર્ણ દેવા માફીની માંગ સાથે ગૃહમાંથી વોકઆઉટ કર્યો હતો. ભાજપ ધારાસભ્યોએ વિધાનસભા બહાર સૂત્રોચ્ચાર કર્યા હતા.