આસામમાં ભારે વરસાદથી 28 જિલ્લાના 15 લાખથી વધુ લોકોને અસર: સાતનાં મોત

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

દેશના પૂર્વોત્તર ભાગોમાં ભારે વરસાદને કારણે સ્થિતિ વણસી રહી છે. આસામમાં સતત પડી રહેલા વરસાદને કારણે નદીઓ ગાંડીતૂર બની ગઇ છે. જેને કારણે રાજ્યના 28 જિલ્લાઓમાં 15 લાખથી વધુ લોકોને અસર થઇ છે. હજારો લોકોને વિસ્થાપિત થવાની ફરજ પડી છે. અત્યાર સુધી વરસાદ અને તેને લગતી ઘટનામાં કુલ સાત લોકોના મોત થયા છે.

પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને બિહારમાં સારો એવો વરસાદ પડી રહ્યો છે. જેના કારણે આ રાજ્યોમાં પણ સ્થિતિ બગડી રહી છે.

આસામના મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે ગૃહમંત્રી અમિત શાહને ફોન કરીને રાજ્યમાં પૂરની સ્થિતિ અંગે માહિતી આપી હતી. રાજ્યમાં ચોવીસ કલાક માટે પૂર નિયંત્રણ રૂમો ગોઠવી દેવાયા છે. આસામ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ શનિવારે ધેમાજી જિલ્લામાં વધુ એક વ્યક્તિના મોતની માહિતી આપી હતી. હાલમાં ધેમાજી, લખીમપુર, વિશ્વનાથ, કામરૂપ અને બારપેટા સહિત અનેક જિલ્લાઓમાં પૂરનો કેર ચાલુ રહ્યો છે. કુલ 14 લાખ લોકોને અસર થઇ છે. બારપેટામાં સૌથી વધુ પાંચ લાખ લોકો પૂરથી બેહાલ થયા છે. એનડીઆરએફ અને એસડીઆરએફે છેલ્લાં 24 કલાકમાં 848વ્યક્તિઓને બચાવી લીધા છે. પૂરને કારણે ફસાયેલા લોકોને ભોજન સહિત જીવનજરૂરી વસ્તુઓ આપવામાં આવી રહી છે.

હાલમાં ગુવાહાટીમાં બ્રહ્મપુત્ર નદી અનેક સ્થળોએ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. 28 જિલ્લાઓમાં 2168 ગામો પાણીમાં છે અને 51752 હેક્ટર પાકને નુકસાન પહોંચ્યું છે. ભારે વરસાદને કારણે લમ્ડિંગ-બદરાપુર સેક્શનમાં ટ્રેઇન ટ્રેક્સને નુકસાન પહોંચ્યા છે.