છેલ્લા કેટલાક સમયથી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(બીસીસીઆઈ) ક્રિકેટમાં તેની છવિ સુધારવાની કોશિશ કરી રહ્યું છે અને કડક પગલા ભરી રહ્યું છે. ક્રિકેટમાં ભ્રષ્ટાચાર હોય કે પછી અન્ય કોઇ મામલે બોર્ડ કડક વલણ અપનાવી રહ્યું છે.
ત્યારે મીડિયા રિપોર્ટ મુજબ તાજેતરમાં બીસીસીઆઈએ સખ્ત કાર્યવાહી કરીને ઓરિસ્સાના બે ક્રિકેટરોને તેમની ખોટી ઉમર બતાવવાને મામલે આકરી સજા ફટકારી છે. રિપોર્ટ પ્રમાણે આ બંને ક્રિકેટરો પર આરોપ છે કે તેમને ઉંમર સંબંધી જે દસ્તાવેજો રજૂ કર્યા હતા. તે નકલી હતા અને તેમાં પોતાની ખોટી ઉંમર દર્શાવવા હતી. ક્રિકેટના જૂનિયર લેવલ પર અન્ડર 13, અન્ડર 16 અથવા અન્ડર 19 જેવી શ્રેણીઓમાં કેટલાક ખેલાડીઓ તેમની ઉંમર ખોટી બતાવે છે અને તે માટે નકલી દસ્તાવેજો પણ રજૂ કરે છે. આ મામલે ઓરિસ્સાના બે ખેલાડી રાજેશ મોહંતી અને કૃષ્ણા પિલ્લઇ પર બે વર્ષનો પ્રતિબંધ લાગ્યો છે.
રિપોર્ટ પ્રમાણે ઓરિસ્સા ક્રિકેટ ઓસોસિએશન(OCA) ના સચિવ સંજય બેહરાએ બંને ખેલાડીઓ પર બે વર્ષનો પ્રતિબંધ લાદવાની પુષ્ટિ કરી છે. કારણ કે તેમને ઉંમર ખોટી બતાવી હતી. ઉલ્લેખનીય છે કે ઓક્ટોબર 2016માં પણ, બીસીસીઆઈએ ઓરિસ્સાના 20 ખેલાડીઓ પર એક વર્ષનો પ્રતિબંધ લાદ્યો હતો. જેમાં 7 સીનિયર મહિલા ક્રિકેટર્સ અને 12 અન્ડર 19 પ્લેયર્સ સામેલ હતા.