BSNL-MTNL મર્જર થશે, સરકારે 68751 કરોડનું પેકેજ મંજૂર કર્યું

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

આર્થિક તંગીનો સામનો કરી રહેલી સરકારી દૂરસંચાર કંપની બીએસએનએલ અને એમટીએનએલમાં પ્રાણ ફૂંકવા માટે કેન્દ્ર સરકારે બુધવારે રૂ. 68,751 કરોડના પેકેજને મંજૂરી આપી હતી. આ કંપની બંધ થવાની અટકળો ફગાવાતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકમાં બીએસએનએલ અને એમટીએનએલના વિલયને પણ સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ. વિલયની પ્રક્રિયા પૂરી થવા સુધી એમટીએનએલ બીએસએનએલની સહાયક તરીકે કામ કરશે. ખાનગી કંપનીઓની સરખામણીમાં આ કંપનીઓને મજૂબત કરવા 4જી સ્પેક્ટ્રમની પણ વહેંચણી કરાશે. આ સાથે પગારનો બોજ ઘટાડવા 50 વર્ષથી વધુ ઉંમરના કર્મચારીઓને સ્વૈચ્છિક નિવૃત્તિ અપાશે.

બંને કંપનીઓ માથે 40 હજાર કરોડનું દેવું
આ નિર્ણયોની જાણકારી આપતા દૂરસંચાર મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે, બીએસએનએલ અને એમટીએનએલને લઈને સરકાર સ્પષ્ટ છે. આ કંપનીઓ ભારતની વ્યૂહાત્મક સંપત્તિ છે. સેનાના સમગ્ર નેટવર્કનું મેઈન્ટેનન્સ બીએસએનએલ કરે છે. હવે બંને કંપનીને ફાયદામાં લાવવાની જવાબદારી કર્મચારીઓ પર છે. એમટીએનએલ દિલ્હી અને મુંબઈમાં સર્વિસ આપે છે, જ્યારે બીએસએનએલ આ બંને શહેર સિવાય સમગ્ર દેશમાં કોમ્યુનિકેશન સર્વિસ આપે છે. સ્પર્ધામાં પાછળ પડવાના કારણે આ બંને કંપની આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહી છે. નોંધનીય છે કે, આ બંને કંપની પર આશરે રૂ. 40 હજાર કરોડનું દેવુ છે.

વીઆરએસ કોઈના પર થોપાશે નહીં: પ્રસાદ
રવિશંકર પ્રસાદે કહ્યું કે, વીઆરએસ સંપૂર્ણપણે સ્વૈચ્છિક છે, તે કોઈના પર થોપાશે નહીં. આ યોજના પસંદ કરનારા 53.5 વર્ષથી વધુ ઉંમરના કર્મચારીઓને તેમની રકમના 125% અપાશે, જે તેઓ 60 વર્ષની સેવા આપ્યા પછી કમાવાના હતા. આ ઉપરાંત 50થી 50.5 વર્ષની ઉંમરના કર્મચારીઓ બચેલા સેવાકાળમાં મળનારી રકમનો 80થી 100% હિસ્સો મળશે.

મંત્રીમંડળના અન્ય મહત્ત્વના નિર્ણયો

ઈંધણના રિટેલ વેચાણ ક્ષેત્રમાં બે દસકાથી સૌથી મોટા સુધારાને મંજૂરી. પેટ્રોલ-ડીઝલ સહિત તમામ પ્રકારના ઈંધણના વેચાણ માટે ખાનગી ક્ષેત્રને મંજૂરી. ઈંધણ ક્ષેત્ર સિવાયની કંપનીઓ પણ તેલનું વેચાણ કરી શકશે.
દિલ્હીમાં 1,797 ગેરકાયદે કોલોની કાયદેસર કરાશે, જેથી 40 લાખ લોકોને ઘર મળશે. આ માટે સરકાર શીતકાલીન સત્રમાં બિલ લાવશે.
આઈટીબીપીમાં કેડર સમીક્ષાને મંજૂરી. ચંદીગઢ-ગુવાહાટીમાં બે નવા કમાન્ડ બનશે. કેડર સમીક્ષા ગ્રૂપ એમાં 60 હોદ્દા રચાશે, જ્યારે નોન-જનરલ કેડરમાં બે હોદ્દા વધારાશે.