પાકિસ્તાનના આતંકી સંગઠન જમાત-ઉદ-દાવા અને લશ્કર-એ-તૈયબાએ રાજધાની દિલ્હીમાં સેના અને રૉની ઓફિસ પર હુમલાનું ષડયંત્ર રચ્યું છે. આ વાતનો ખુલાસો બુધવારે ન્યૂઝ એજન્સીના એક રિપોર્ટમાં કરવામાં આવ્યો હતો. તે પ્રમાણે ગુપ્તચર એજન્સીઓ પાસે ઇનપુટ છે કે આતંકી સંગઠનોએ હુમલાની યોજનાઓ બનાવી છે.
ઓક્ટોબરના અંતમાં હુમલો કરવાનું ષડયંત્ર
ગુપ્તચર એજન્સીઓ પ્રમાણે સૂત્રોએ દાવો કર્યો છે કે આતંકીઓએ પોલીસકર્મીઓના આવાસ સહિત પોલીસ અને અર્ધસૈનિક દળોની ઓફિસ પર હુમલાની યોજના બનાવી છે. આ બન્ને આતંકી સંગઠનો પાછળ 2008ના મુંબઈ હુમલાનો માસ્ટરમાઇન્ડ હાફીઝ સઈદ છે જેને અમેરિકા, યુરોપીયન યૂનિયન અને સંયુક્ત રાષ્ટ્રએ વૈશ્વિક આંતકવાદી જાહેર કર્યો છે.
FATFએ પણ પાકિસ્તાનની ટીકા કરી
આ સમચારા એવા સમયે આવ્યા છે જ્યારે એશિયા-પ્રશાંત વિસ્તારની ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સએ પાકિસ્તાન પર ટેરર ફન્ડિંગ અને આતંકવાદ વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી ન કરવાનો આરોપ લગાવ્યો છે. એફએટીએફનું માનવું છે કે પાકિસ્તાને જમાત ઉદ દાવા અને લશ્કર સહિત ફલાહ-એ-ઇન્સાનિયત ફાઉન્ડેશન જેવા પ્રતિબંધિત સંગઠનો વિરુદ્ધ કડક કાર્યવાહી કરી નથી જેમની આતંકવાદ ફેલાવવામાં ભૂમિકા સ્પષ્ટ થઇ ચૂકી છે.