કેન્દ્ર સરકારે બુધવારે દિલ્હીની ગેરકાયદે કોલોનીમાં રહેતા લોકોને તેમના ઘરનો માલિક હક આપવા અંગેના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે- કેબિનેટના આ નિર્ણયથી દિલ્હીના 40 લાખ લોકોને ફાયદો થશે. કેબિનેટે આ નિર્ણય ગેરકાયદે કોલોનીના નિયમીત અને કાયદેસરની કરવા માટેની સલાહ આપવા માટે બનાવેલી કમિટિના પ્રસ્તાવ અંગે લીધો છે.
કેબિનેટના નિર્ણયથી દિલ્હીના 175 ચોરસ કિમી વિસ્તારમાં આવેલી 1,797 ગેર કાયદે કોલોનીમાં રહેનારા લોકોને ફાયદો થશે. આ કોલોનીમાં રહેતા લોકોને હવે સંપત્તિનો માલિકી હક મળી શકશે, જેનાથી સંપત્તિનું ખરીદ વેચાણ કાયદેસર રીતે કરી શકાશે. સરકારના જણાવ્યા પ્રમાણે, આ કોલોનીમાં મોટી સંખ્યામાં ઓછી આવકવાળો વર્ગ રહે છે. હવે તેમને નાગરિક સુવિધાઓ માટે પણ હેરાન થવું નહી પડે, કારણ કે સરકાર દ્વારા આ કોલોનીઓમાં વિકાસના કાર્યો કરાશે.
કેન્દ્રીય કેબિનેટનો નિર્ણય દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી(DDA)દ્વારા નિર્મિત 69 કોલોની પર લાગુ નહીં થાય. DDAની આ યાદીમાં સૈનિક ફાર્મ, મહેન્દ્ર એન્ક્લેવ અને અનંત રામ ડેરી જેવી કોલોની સામેલ છે.
નિયમિતીકરણ કરાવવા માટે સામાન્ય ફી જમા કરાવવી પડશે
નિયમિતીકરણ કરવવા માટે લોકોને પ્લોટના ક્ષેત્રફળ અને ફ્લોર એરિયાના આધારે ફી ભરવી પડશે. આ ફી નજીકના રહેણાક વિસ્તારના મહત્તમ સર્કલ ભાવના આધારે નક્કી કરાશે. સરકારી જમીન પર વસેલી કોલોનીમાં 100 સ્ક્વેર મીટર સુધીના પ્લોટ માટે સર્કલ ભાવ 0.5%, 100થી 250 સ્ક્વેર મીટર માટે 1% અને 250 સ્ક્વેર મીટર કરતા વધારે માટે 2.5% ફી આપવી પડશે. પ્રાઈવેટ જમીન પરની કોલોની માટે આ રકમ ઓછી હશે.
સરકાર સંસદના શિયાળુસત્રમાં GPA બિલ લાવશે
કેન્દ્રીય આવાસ તથા શહેરી વિકાસ મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું કે, સંસદના શિયાળુસત્રમાં સરકાર ‘રિકોગનાઈઝિંગ જનરલ પાવર ઓફ અર્ટની’બિલ રજુ કરશે, જેથી કેબિનટના આ નિર્ણયને કાયદામાં ફેરવી શકાય.