18 હજાર ફુટની ઉંચાઇ પર પેટ્રોલિંગ કરી રહેલા ભારતીય સૈનિકો હિમપ્રપાતની ચપેટમાં આવ્યા, 2 શહીદ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

લદ્દાખના દક્ષિણ સિયાચિન ગ્લેશિયરમાં શનિવારે સવારે પેટ્રોલિંગ પર નિકળેલા ભારતીય સૈનિકો હિમપ્રપાતની ચપેટમાં આવી ગયા હતા. ત્યારબાદ સેનાની રેસ્ક્યૂ ટીમે સ્થાનિકોની મદદથી તેમને સુરક્ષિત કાઢ્યા હતા પરંતુ ઇલાજ દરમિયાન નાયબ સૂબેદાર સેવાંગ ગ્યાલશન અને રાઇફલમેન પદમ નોરગૈસનું મૃત્યુ થયું હતું. રક્ષા મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે ઘટના સમયે સેનાની ટુકડી 18 હજાર ફીટની ઉંચાઇ પર હતી. ત્યારબાદ રેસ્ક્યૂ માટે બે આર્મી હેલિકોપ્ટર મોકલવામાં આવ્યા હતા.

આ મહિનામાં 19 નવેમ્બરે સિયાચિનના ઉત્તરી ગ્લેશિયર પાસે હિમસ્ખલનની ચપેટમાં આવીને ચાર જવાન શહીદ થઇ ગયા હતા. બે નાગરિકોનો પણ જીવ ગયો હતો. લગભગ 20 હજાર ફુટની ઉંચાઇ પર સ્થિત સિયાચિન વિશ્વનું સૌથી ઉંચુ યુદ્ધક્ષેત્ર છે જે લદ્દાખનો ભાગ છે. કાશ્મીરમાં અનુચ્છેદ 370 સમાપ્ત થયા બાદ લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશ બની ગયો છે.

2016માં હિમપ્રપાતના લીધે 10 જવાનો શહીદ થયા હતા
સિયાચિન ગ્લેશિયરમાં અત્યારે માઇનસ 30 ડિગ્રી તાપમાન છે. આ દુનિયાનું સૌથી ઉંચુ યુદ્ધક્ષેત્ર છે. અહીં દુશ્મનોની જગ્યાએ હવામાન આધારિત પરિસ્થિતિઓના લીધે સૈનિકોને શહીદ થવું પડે છે. ફેબ્રુઆરી 2016માં થયેલા હિમપ્રપાતમાં 10 જવાનોનું મૃત્યુ થયું હતું.

સેના માટે શા માટે સિયાચિન અગત્યનું છે ?
હિમાલયન રેન્જમાં સ્થિત સિયાચિન ગ્લેશિયરથી ચીન અને પાકિસ્તાન બન્ને દેશો પર નજર રાખવામાં આવે છે. ઠંડીની સિઝનમાં અહીં ઘણા હિમપ્રપાત આવે છે. એવરેજ 1000 સેન્ટિમીટર બરફ પડે છે. ઓછામાં ઓછુ તાપમાન માઇનસ 60 ડિગ્રી સુધી પહોંચી જાય છે. અહીં તહેનાત જવાનોની શહીદી મોટાભાગે હિમપ્રપાત, લેન્ડ સ્લાઇડ, વધારે ઠંડીના કારણે ટિશ્યૂ બ્રેક, અલ્ટિટ્યૂડ સિકનેસ અને પેટ્રોલીંગ દરમિયાન વધારે ઠંડીના કારણે હાર્ટ ફેલ થવાના કારણે થાય છે. સિયાચિનમાં ફોરવર્ડ પોસ્ટ પર એક જવાનની તહેનાતી 30 દિવસથી વધારે નથી હોતી. 1984થી લઇને 2016 સુધી લગભગ 900 જવાન શહીદ થયા છે.