દાહોદમાં એક જ પરિવારના 6 સભ્યોની સામુહિક હત્યાથી સમગ્ર પંથકમાં ભારે અરેરાટી મચી જવા પામી છે. આ બનાવમાં પતિ-પત્નિ સહિત 4 બાળકોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. આ બનાવને લઈ સંજેલી પોલીસ સહિતનો ઉચ્ચ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર દાહોદના તરકડા મહુડી ગામે થયેલ હત્યાકાંડ પ્રથમ દ્રષ્ટિએ સામૂહિક હત્યાનો બનાવ બન્યો છે. જેમાં પતિ-પત્નિ અને 4 બાળકોની પણ કરપીણ હત્યા કરી દેવામાં આવી છે. ઘટનાની જાણ થતાં સંજેલી પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો છે. બનાવના સ્થળે પહોંચી પોલીસે તમામ પુરાવા મેળવી આગળની તપાસ હાથ ધરી છે.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતુ કે આ ઘટના પાછળ કોઈ અંગત અદાવત હોવાથી આ તમામની હત્યા કરવામાં આવી છે.પોલીસે ગ્રામજનો અને પરિવારના અન્ય સભ્યોની પૂછપરછ હાથ ધરી છે.
દાહોદના SP હિતેશ જોયસરે જણાવ્યું હતું કે, તમામ મૃતકો એક પરિવારના હોવાનું અનુમાન રહ્યું છે. મૃતકોમાં પતિ, પત્ની અને તેમના 4 સંતાનો હોવાની સંભાવના છે. જો કે પોલીસ તેમની ઓળખ કરી રહી છે. ગળા કપાયેલી હાલતમાં લાશો મળતા પોલીસ સ્થળ પર પહોંચી ગઇ છે અને સમગ્ર મામલે તપાસ કરી રહી છે.
આ આદિવાસી પરિવાર મજૂરી કામ કરતો હોવાનું પ્રાથમિક તપાસમાં જણવા મળ્યુ છે. પાંચ મૃતદેહ ગામના કાચા મકાનમાંથી મળી આવ્યા છે, જ્યારે એક મૃતદેહ ખેતરમાંથી મળી આવ્યો છે. પ્રાથમિક તપાસમાં અંગત અદાવતમાં હત્યાકાંડ સર્જાયાની પોલીસને આશંકા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ગ્રામજનો અને પરિવારના અન્ય સભ્યોની પૂછપરછ શરૂ કરી છે.
મૃતકોના નામની યાદી
ભરતભાઇ કડકીયાભાઇ પલાસ(ઉં.વ. 40)
સમીબેન ભરતભાઇ પલાસ(ઉં.વ. 40)
દિપિકા ભરતભાઇ પલાસ(ઉં.વ.12)
હેમરાજ(ઉં.વ.10)
દિપેશ(ઉં.વ. 8)
રવિ(ઉં.વ.6)

