સુપ્રીમ કોર્ટ સોમવારે નિર્ભયાના ચાર દોષિતોમાં સામેલ પવન ગુપ્તાની ક્યુરેટિવી પિટીશન ફગાવી દીધી છે. પવને ફાંસીને આજીવન કેદમાં બદલવાની માંગણી કરી હતી. તેના વકીલ એપી સિંહે ઓપન કોર્ટમાં સુનાવણીની માંગણી કરી હતી. આ વિસે જસ્ટિસ એનવી રમનાની અધ્યક્ષતાવાળી 5 જજની બેન્ચે કહ્યું કે, સજા પર પુન:વિચાર વિશે કોઈ સવાલ જ ઉભો થતો નથી.
હવે પવન પાસે માત્ર રાષ્ટ્રપતિને દયાની અરજીનો જ વિકલ્પ બાકી રહ્યો છે. નોંધનીય છે કે, પટિયાલા હાઉસ કોર્ટે ત્રીજુ ડેથ વોરન્ટ જાહેર કરીને ચારેયને ફાંસી આપવા માટે 3 માર્ચની તારીખ નક્કી કરી છે. રવિવારે તેના વકીલ એપી સિંહે કહ્યું હતું કે, આ કેસ મોતની સજા સાથે જોડાયેલો છે, તેથી તેની પિટીશન વિશે ઓપન કોર્ટમાં સુનાવણી થવી જોઈએ.
આ પહેલાં શનિવારે દોષી અક્ષય સિંહે પટિયાલા હાઉસ કોર્ટમાં અપીલ કરીને 3 માર્ચે થનારી ફાંસી પર સ્ટે આપવાની માંગણી કરી હતી. તે વિશે કોર્ટે તિહાર જેલ પ્રશાસનને નોટિસ આપીને 2 માર્ચ સુધી જવાબ આપવા કહ્યું હતું. અક્ષયે અરજીમાં કહ્યું હતું કે, તેણે નવી દયા અરજી રાષ્ટ્રપતિને મોકલી છે અને તે વિશે હજી કોઈ નિર્ણય આવ્યો નથી. તેના વકીલના જણાવ્યા પ્રમાણે ગઈ દયા અરજીમાં પૂરતા તથ્યો નહતા, તેથી તે ફગાવવામાં આવી હતી.
કોર્ટની નિષ્ક્રિયતાથી દુખી છું: આશા દેવી
નિર્ભયાની માતા આશાદેવીએ આજની સુનાવણી પહેલાં કહ્યું છે કે, હું કોર્ટની નિષ્ક્રિયતાના કારણે દુખી છું. સમગ્ર દુનિયા જોઈ રહી છે કે, વકીલો કેવી રીતે કોર્ટમાં ફાંસી પર અમલ નથી થવા દેતા. આરોપીઓએ ફાંસીના બે દિવસ પહેલાં જ અરજી કરી છે. હું જાણવા માંગુ છું કે, સુપ્રીમ કોર્ટ આટલો સમય કેમ લઈ રહી છે. જ્યારે નિર્ણય થઈ ગયો છે તો અમલમાં સમય ન થવો જોઈએ.
માત્ર પવન પાસે કાયદાકીય વિકલ્પ
નિર્ભયાના ચારેય દોષિતોમાંથી માત્ર પવન પાસે જ કાયદાકીય વિકલ્પ બાકી છે. બાકીના ત્રણ દોષિતો વિનય, મુકેશ અને અક્ષય તેમના બધા વિકલ્પોનો ઉપયોગ કરી ચૂક્યા છે. આ પહેલાં સુપ્રીમ કોર્ટે પવનની સગીર હોવાની અરજી અને તેના વિશેની ક્યુરેટિવ પિટીશન ફગાવી દીધી છે.
ફાંસીની નવી તારીખ 3 માર્ચ
પટિયાલા હાઉસ કોર્ટે ચારેય દોષિતો માટે ત્રીજુ ડેથ વોરન્ટ જાહેર કરી દીધું છે. પરંતુ આરોપીઓ દ્વારા કાયદાકીય વિકલ્પોનો ઉપયોગ કરવામાં આવતો હોવાથી 2 વાર ફાંસી ટાળી દેવામાં આવી છે. હવે ફાંસીની નવી ચારીખ 3 માર્ચ છે. પરંતુ દોષિતોના વકીલ એપી સિંહે દાવો કર્યો છે કે, લખી રાખો, આ તારીખે ફાંસી નહીં થાય. કારણકે લૂંટનો એક કેસ હાઈકોર્ટમાં પેન્ડિંગ છે.
પહેલું ડેથ વોરન્ટ (7 જાન્યુઆરી): 22 જાન્યુઆરીએ સવારે 7 વાગે ફાંસી આપવાનો આદેશ આપવામાં આવ્યો હતો. એખ દોષિતની દયાની અરજી પેન્ડિંગ હોવાના કારણે ફાંસી ટાળવામાં આવી.
બીજુ ડેથ વોરન્ટ (17 જાન્યુઆરી): 1 ફેબ્રુઆરીએ સવારે 6 વાગે ફાંસી આપવાનો આદેશ આપવામાં આવ્યો હતો. 31 જાન્યુઆરીએ કોર્ટે અનિશ્ચિત કાળ માટે ફાંસી ટાળી દીધી.
ત્રીજુ ડેથ વોરન્ટ (17 ફેબ્રુઆરી): 3 માર્ચે સવારે 6 વાગે ફાંસી આપવાનો આદેશ, દોષિતોના વકીલે કહ્યું- હજી અમારી પાસે કાયદાકીય વિકલ્પો બાકી છે.

