ઓસ્ટ્રેલિયાની ઓલરાઉન્ડર ખેલાડી એલીસ પેરી પોતાના દેશમાં આયોજીત આઈસીસી મહિલા ટી-૨૦ વર્લ્ડ કપની બાકી મેચથી બહાર થઈ ગઈ છે. એલીસ પેરી સોમવારે ન્યુઝીલેન્ડ સામે રમાયેલી અંતિમ મેચમાં વિરોધી ટીમના બેટ્સમેનને રનઆઉટ કરતા સમયે ઈજાગ્રસ્ત થઈ ગઈ હતી અને પછી તે સમયે મેદાન છોડી બહાર ચાલી ગઈ હતી.
ઓસ્ટ્રેલિયાએ સોમવારે ઓવલ મેદાન પર રમાયેલ આઈસીસી મહિલા ટી-૨૦ વર્લ્ડ કપની મેચમાં ન્યુઝીલેન્ડને ચાર રનથી હરાવી સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી હતી.
ઓસ્ટ્રેલીયન ટીમ ડોક્ટર પિપ ઇંગે જણાવ્યું છે કે, ‘એલીસ પેરીની હાઈ ગ્રેડ હેમસ્ટ્રિંગ ઈજા બરકરાર છે, જેના કારણે તેમને લાંબા સમય સુધી મેદાનથી દુર રહેવું પડશે. અમે આ સમયે બધા વિકલ્પો પર વિચાર કરી રહ્યા છીએ અને ઈજાથી બહાર આવવામાં એલીસ પેરીની મદદ કરવાનું ચાલુ રાખીશું.’
એલીસ પેરીના બહાર થવાથી ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકો લાગ્યો છે અને હવે તેમને પ્રથમ વખત એલીસ પેરી વગર ટુર્નામેન્ટમાં સેમીફાઈનલ મેચમાં રમવું પડશે.
૨૯ વર્ષની એલીસ પેરી ઓસ્ટ્રેલિયા માટે અત્યાર સુધી ટી-૨૦ વર્લ્ડ કપની બધી મેચ રમી છે. વર્તમાન વર્લ્ડ કપમાં એલીસ પેરીની જગ્યાએ હજુ કોઈ પણ ખેલાડીના નામની જાહેરાત કરવામાં આવી નથી.
ઓસ્ટ્રેલિયાના કોચ મેથ્યુ મોટે જણાવ્યું છે કે, ‘એલીસ પેરી અમારી ટીમની મુખ્ય સભ્ય છે અને તે લાંબા સમયથી ટીમમાં છે. તેમના બહાર થવાથી અમે વ્યક્તિગત રીતે ઘણા નિરાશ છીએ. અમને દુખ છે કે, તેમની પાસે ટુર્નામેન્ટને સમાપ્ત કરવાની તક નથી.’

