અજય દેવગને પોતાના અને અક્ષયના ફૅન્સને એકમેક સાથે ન ઝઘડવાની આપી સલાહ

ફિલ્મ જગત

અજય દેવગને તેના અને અક્ષયકુમારના ફૅન્સને પરસ્પર ન ઝઘડવાની સલાહ આપી છે. રોહિત શેટ્ટીની ‘સૂર્યવંશી’માં અક્ષયકુમાર અને કૅટરિના કૈફ લીડ રોલમાં જોવા મળશે. અજય દેવગન અને રણવીર સિંહ પણ આ ફિલ્મમાં નાનકડી ભૂમિકામાં જોવા મળશે. ૨૪ માર્ચે રિલીઝ થનારી આ ફિલ્મના ટ્રેલર-લૉન્ચ વખતે અજય દેવગને કહ્યું હતું કે ‘અક્ષયકુમાર અને હું અહીં અમારી ફૅન-ક્લબને એ કહેવા આવ્યા છીએ કે પ્લીઝ તમે પરસ્પર ઝઘડા ન કરો. અમે જોયું છે કે અમારા ફૅન્સ સોશ્યલ મીડિયા પર પરસ્પર ઝઘડા કરે છે. એથી અમે તમને કહેવા માગીએ છીએ કે અમે હંમેશાંથી એકબીજાને સપોર્ટ કરતા આવ્યા છીએ. અમે આ ફિલ્મ ખૂબ જ પ્રેમથી બનાવી છે. તમે પ્લીઝ બધા સાથે મળીને આ ફિલ્મ જોવા જાઓ.’

અજય દેવગન સાથેના સંબંધોને લઈને અક્ષયકુમારે કહ્યું હતું કે ‘અજય અને મેં સાથે કરીઅરની શરૂઆત કરી હતી. અમે બન્ને અમારી પહેલી ફિલ્મ ‘ફૂલ ઔર કાંટે’ માટે ઝઘડ્યા હતા. શરૂઆતમાં હું આ ફિલ્મમાં હતો. જોકે મને એમાંથી બહાર કાઢીને તે આ ફિલ્મમાં આવી ગયો હતો. આજે અમે હવે એ લેવલ પર પહોંચી ગયા છીએ કે અમે બન્નેએ અનેક ફિલ્મોમાં સાથે કામ પણ કર્યું છે.’

‘સિંઘમ’ વિશે પોતાનાં મંતવ્યો જણાવતાં અજય દેવગને કહ્યું હતું કે ‘મેં શરૂઆતમાં ધાર્યું પણ નહોતું કે આ ફિલ્મ આટલી મોટી ફ્રૅન્ચાઇઝી બની જશે. આ ફિલ્મને મહિલાઓએ આપેલા રિસ્પૉન્સથી અમે ખૂબ ખુશ થયા હતા. ફિલ્મની રિલીઝ બાદ અમને લાગ્યું હતું કે ફ્રૅન્ચાઇઝી આગળ વધશે.’

ટ્રેલર-લૉન્ચ વખતે પોતાનો ઉત્સાહ દેખાડતાં હાજર રણવીર સિંહે કહ્યું હતું કે ‘મેં મારા આઇડલ્સ સાથે સ્ક્રીન શૅર કરી અને સાથે જ રોહિત સર સાથે કામ કર્યું જેમનું વિઝન એકદમ અનોખું છે. એને લઈને હું ખૂબ જ એક્સાઇટેડ છું. હું દર્શકો જેટલો જ ઉત્સાહિત છું. મને ખાતરી છે કે તમે આ ફિલ્મ વારંવાર જોવાનું પસંદ કરશો.’