શિવસેનાના ઉદ્ધવ ઠાકરેએ ભાજપના નેતૃત્વ હેઠળની મહારાષ્ટ્ર સરકારને વરિષ્ઠ સામાજિક કાર્યકર અણ્ણા હઝારેની ભૂખ હડતાળનો અંત લાવવા માટે મધ્યસ્થી કરવાની અપીલ કરી હતી તથા હઝારેના જીવન સાથે રમત ન રમવાનું કહ્યું હતું. આ સિવાય ઠાકરેએ હઝારેને જ્યારે જોઇએ ત્યારે સમર્થન આપવાનું આશ્ર્વાસન પણ આપ્યું હતું. આ દરમિયાન મહારાષ્ટ્રના પ્રધાન ગિરીશ મહાજન અને વરિષ્ઠ કૉંગ્રેસી નેતા રાધાકૃષ્ણ વિખે-પાટીલ રવિવારે હઝારેની મુલાકાત લીધી હતી. મહાજન મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના પત્ર સાથે હઝારેને મળ્યા હતા અને પત્રકારોને કહ્યું હતું કે ફડણવીસે હઝારેને ભૂખ હડતાળ પાછી ખેંચી લેવાની વિનંતી કરી છે, કારણ કે તેમની મોટા ભાગની માગણીઓની જાહેરાત કેન્દ્રીય બજેટમાં કરવામાં આવી છે. તેમ છતાં હઝારેના પ્રવક્તાએ કહ્યું હતું કે સરકાર તરફથી હઝારેની માગણીઓ પૂરી કરવા માટે કોઇ યોગ્ય પગલાં ન લેવાય ત્યાં સુધી તેઓ અનશન પાછું ખેંચવા તૈયાર નથી.

