બિહારના વૈશાલી જિલ્લામાં દિલ્હી જતી સીમાંચલ એકસ્પ્રેસના ૧૧ ડબ્બા રવિવારે મળસકે પાટા પરથી ખડી પડતાં ઓછામાં ઓછા છ જણનાં મોત થયાં હતાં અને અન્ય ૨૯ જણને ઈજા થઈ હતી. મૃત્યુ પામેલાઓને ઈલ્ચા દેવી (૬૬), ઈંદિરા દેવી (૬૦), શમસુદ્દીન આલમ (૨૬), અન્સાર આલમ (૧૯), શઈદા ખાતુન (૪૦), સુદર્શન દાસ (૬૦) તરીકે ઓળખી કાઢવામાં આવ્યા છે. બિહારના જોગબનીથી આનંદવિહાર-દિલ્હી જતી સીમાંચલ એકસ્પ્રેસના ૧૧ ડબ્બા પાટા પરથી ઊતરી જતા આ મોટી દુર્ઘટના સર્જાઈ હતી. રેલવે અધિકારીઓના જણાવ્યા પ્રમાણે સામાન્ય શ્રેણીનો એક કોચ, એક એસી કોચ, સ્લિપર કોચ તથા અન્ય કોચ પાટા પરથી ઊતરી ગયા હતા. નજીકની હોસ્પિટલના ડોક્ટરોની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. રાહત-બચાવ કામગીરી માટે રિલીફ ટ્રેન પણ પહોંચી ગઈ હતી. એનડીઆરએફની બે ટીમ બચાવ કાર્યમાં જોડાઈ હતી.

