વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુએન મહાસભાના સત્રને 28 સપ્ટેમ્બરે સંબોધશે

દેશ-વિદેશ મુખ્ય સમાચાર રાજકીય

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્રને 28 સપ્ટેમ્બરના રોજ સંબોધિત કરશે. સંયુક્ત રાષ્ટ્રના 74મા સત્રમાં વૈશ્વિક નેતાઓના સંબોધન કાર્યક્રમની પ્રારંભિક યાદીમાં આ જાણકારી અપાઈ છે. આ યાદી સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌપ્રથમ 2014માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્રને સંબોધિત કર્યું હતું.

નરેન્દ્ર મોદી ન્યૂયોર્કની યાત્રા દરમિયાન યુએન મહાસભા સત્ર ઉપરાંત કેટલાક ઉચ્ચ સ્તરીય શિખર સંમેલનમાં ભાગ લેશે અને દ્વિપક્ષીય તથા બહુપક્ષીય સંવાદ કરે તેવી શક્યતા છે. મે મહિનામાં લોકસભા ચૂંટણીમાં શાનદાર જીત બાદ વડાપ્રધાન તરીકેના દ્વિતીય કાર્યકાળમાં એ સપ્ટેમ્બરમાં પ્રથમ વખત સંયુક્ત રાષ્ટ્રમાં વિશ્વના નેતાઓેને સંબોધિત કરશે.

મહાસભા સત્રની સામાન્ય ચર્ચા માટે વક્તાઓની પ્રારંભિક યાદી અનુસાર મોદી 28 સપ્ટેમ્બરે સવારે સંમેલનને સંબોધિત કરશે. સામાન્ય ચર્ચાનો આરંભ 23 સપ્ટેમ્બર થશે અને 30 સપ્ટેમ્બર સુધી ચાલશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સત્રને 24 ડિસેમ્બરે સંબોધિત કરશે. સત્રના શરુઆતના દિવસમાં પારંપરિક રીતે બ્રાઝિલ બાદ અમેરિકા બીજા વક્તા તરીકે સંબોધન કરે છે.

નરેન્દ્ર મોદી સંયુક્ત રાષ્ટ્રના સત્ર માટે ન્યૂયોર્ક જતાં પહેલાં હ્યૂસ્ટન જાય તેવી શક્યતા છે. જ્યાં એ 22 સપ્ટેમ્બરે ભારતીય-અમેરિકી સમુદાયને સંબોધિત કરશે. મહાસભાના વક્તાઓની પ્રારંભિક યાદી અનુસાર લગભગ 112 રાષ્ટ્રોના વડાઓ, લગભગ 48 સરકારના વડા અને 30થી વધુ વિદેશ મંત્રીઓ મહાસભાને સંબોધિ કરવા ન્યૂયોર્ક પહોંચશે.