દરોડામાં આ વર્ષે જપ્ત રકમમાં 2000ની નોટોનો માત્ર 43 ટકા હિસ્સો, 2 વર્ષ પહેલા 68 ટકા હતો

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

સરકારના જણાવ્યા મુજબ ઈન્કમ ટેક્સની રેડમાં જપ્ત રકમમાં 2000ની નોટોનો હિસ્સો ઘટી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા મુજબ નાણાં મંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે રાજ્યસભામાં જણાવ્યું હતું કે નાણાંકીય વર્ષ 2017-18માં ઈન્કમ ટેક્સની રેડમાં મળેલી રકમમાં 67.9 ટકા મુદ્રા 2000ની નોટના રૂપમાં હતી. નાણાંકીય વર્ષ(2018-19)માં આ આંકડો 65.9 ટકા અને ચાલુ નાણાંકીય વર્ષ(2019-20)માં અત્યાર સુધીમાં 43.2 ટકા રહ્યો છે.

આર્થિક મામલાના પૂર્વ સેક્રેટરીએ કહ્યું હતું- 2000ની નોટ બંધ કરી દેવી જોઈએ

  • બ્લેકમની છુપાવવામાં મોટી નોટનો ઉપયોગ વધુ થઈ રહ્યો છે, જોકે તેમાં અછતનું કારણ એ પણ હોઈ શકે છે કે સરકાર અને આરબીઆઈ સિસ્ટમમાં 2000ની નોટોનો સપ્લાઈ કદાચ ઓછો કરી દે. છેલ્લા થોડા રિપોર્ટ્સના જણાવ્યા મુજબ, એ વાતની આશંકા પણ છે કે 2000ની નોટ બંધ કરવામાં આવી શકે છે. નોટબંધીના 3 વર્ષ પુરા થવા પર આર્થિક મામલાના પૂર્વ સચિવ સુભાષ ચંદ્ર ગર્ગે કહ્યું હતું કે 2000ની નોટોની જમાખોરી થઈ રહી છે, તેને બંધ કરી દેવી જોઈએ.
  • બ્લેકમની પર લગામ લગાવવા માટે સરકારે 8 નવેમ્બર 2016એ નોટબંધીની જાહેરાત કરી હતી. તે સમયે 500 અને 1000ની નોટ બંધ કરવામાં આવી. તેના બદલે 500ની નવી નોટ બહાર પાડવામાં આવી હતી. સરકારે 1000ની નોટ સંપૂર્ણ રીતે હટાવી લીધી અને પ્રથમ વાર 2000ની નોટ બહાર પાડી હતી.
  • સિસ્ટમમાં અત્યાર સુધીમાં 2000ની નોટોનો સપ્લાઈ ઘટી રહ્યો છે. માર્ચ 2017માં ઉપલબ્ધ કેશમાં આ નોટોની સંખ્યા 50 ટકા હતી, તે હવે ઘટીને 31 ટકા રહી. સરક્યુલેશનમાં હાલ કુલ નોટોમાં ઘટાડો આવ્યો છે. આરબીઆઈના આંકડા મુજબ માર્ચ 2018માં 6.7 લાખ કરોડની વેલ્યુની નોટ સિસ્ટમમાં હતી, આ વર્ષે માર્ચમાં આ આંકડો ઘટીને 6.6 લાખ કરોડ રૂપિયા રહી.