મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા અંગે કોંગ્રેસ, NCP અને શિવસેનામાં ચાલી રહેલી વિચારણા વચ્ચે NCP નેતા શરદ પવારે આજે બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે. મળતી માહિતી પ્રમાણે, NCP પ્રમુખ શરદ પવારની વડાપ્રધાન મોદી સાથેની આ મુલાકાત મહારાષ્ટ્રમાં ખેડૂતોની સમસ્યા અંગે થઈ છે. પણ આજે આ મુલાકાતની બધે ચર્ચા થઈ રહી છે.
દેશના 2 દિગ્ગજ નેતાઓ વચ્ચે અંદાજે અડધા કલાકની મુલાકાત થઈ હતી. આ મુલાકાત વચ્ચે નાણામંત્રી સીતારમણને પણ બોલાવાયા હતા.
વડાપ્રધાન મોદી સાથે બેઠક બાદ શરદ પવારે કહ્યું કે, તેમણે વડાપ્રધાનને ખેડૂતોની સમસ્યા અંગેની જાણ કરી છે. વધુમાં કહ્યું કે, તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આગામી વર્ષ 31 જાન્યુઆરીથી 2 જી ફેબ્રુઆરી વચ્ચે યોજાનારા વસંત દાદા સુગર ઈનસ્ટીટ્યૂટ કાર્યક્રમ માટેનું પણ આમંત્રણ આપ્યું છે.
મહારાષ્ટ્રમાં સરકાર રચવાના અવરોધો દૂર થયા છે: સંજય રાઉત
- સંજય રાઉતે કહ્યું કે 5-6 દિવસમાં મહારાષ્ટ્રમાં સરકાર રચવાની પ્રક્રિયા પૂર્ણ થશે, ડિસેમ્બર પહેલા મહારાષ્ટ્રમાં લોકપ્રિય અને મજબૂત સરકારની રચના થશે. છેલ્લા 10-15 દિવસથી સરકાર રચવામાં જે અવરોધો આવી રહ્યા છે તે હવે દૂર થયા છે. આવતીકાલ બપોર સુધીમાં ચિત્ર સ્પષ્ટ થશે.
- શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું કે, ‘ગુરુવાર સુધી સરકારની રચના અંગેની સ્થિતી સ્પષ્ટ થઈ જશે. ડિસેમ્બર મહિનામાં રાજ્યમાં નવી સરકારની રચના થઈ જશે. તેમણે એક વખત ફરીથી ભાજપ પર આરોપ લગાવતા કહ્યું કે, રાજ્યમાં સૌથી મોટી પાર્ટી ભાજપ સ્થિર સરકાર આપી રહી નથી. એટલા માટે અન્ય પક્ષો પર આ જવાબદારી આવી જાય છે કે તે રાજ્યમાં એક સ્થિર સરકાર આપે ’
- શરદ પરવાર અને વડાપ્રધાન મોદીની મુલાકાત વિશે સવાલ અંગે રાઉતે કહ્યું કે, જો પીએમને કોઈ નેતા મળે છે તો શું ખિચડી રંધાય છે? આવતી કાલે જો ઉદ્ધવ ઠાકરે ખેડૂતોના મુદ્દે પીએમ મોદી સાથે મુલાકાત કરશે તો શું ખિચડી રંધાશે? શરદ પવાર કૃષિ ક્ષેત્રના જાણકાર વ્યક્તિ છે, અમે 2 દિવસ પહેલા તેમને અપીલ કરી હતી કે તે રાજ્યમાં ખેડૂતોની સમસ્યાઓને પીએમ મોદી સમક્ષ રજુ કરે.
ઉદ્ધવે ધારાસભ્યોને માતોશ્રી પર બોલાવ્યા
શિવસેના ધારાસભ્ય અબ્દુલ સત્તારે એક ટીવી ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું કે, ઉદ્ધવ ઠાકરેએ પણ તમામ ધારાસભ્યોને આધાર કાર્ડ સાથે 22 નવેમ્બરે માતોશ્રીમાં બોલાવ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે તમામ ધારાસભ્યોને પાંચ દિવસ માટે કપડાં લઈને આવવા માટે કહેવાયું છે.

