DPSએ નિત્યાનંદ આશ્રમ સાથેની પાંચ વર્ષનો કરાર રદ કર્યો, ફ્રીમાં ભાડાપટ્ટે જમીન આપી હતી

ગુજરાત મુખ્ય સમાચાર

નિત્યાનંદના આશ્રમમાંથી કથિત રીતે ગુમ થયેલી યુવતી અને બાળકોને ગોંધી રાખવા ડીપીએસ-હિરાપુર કેમ્પસની બાજુમાં આવેલા નિત્યાંનદ આશ્રમની જમીન મુદ્દે વિવાદ વધ્યો છે. નિત્યાંનદ આશ્રમની જગ્યા કેલોરેક્સ ફાઉન્ડેશને લીઝ પર આપેલી છે. પરંતુ એ જ જમીન પર ચાલી રહેલી ડીપીએસ સ્કૂલે FRCમાં રજૂ કરેલા દસ્તાવેજોને આધારે એફઆરસીએ કરેલા ફાઇનલ ઓર્ડરમાં ક્યાંય આશ્રમની જગ્યાનો ઉલ્લેખ કર્યો નથી. આ મામલે આજે ડીપીએસના પ્રિન્સિપાલે સ્પષ્ટતા કરતા કહ્યું કે, અમે આશ્રમ સાથેનો કરાર હતો તે ટર્મિનેટ કરી દીધો છે. વર્તમાનમાં જે સ્થિતિનું નિર્માણ થયું છે, તે જોતાં અમે પાંચ વર્ષની લીઝ હતી તે રદ કરી છે. આ લીઝ જૂનથી શરૂ થઈ હતી. આશ્રમે શૈક્ષણિક પ્રવૃત્તિ માટે જમીન માગી હતી. જો કે, અમે વર્તમાન સ્થિતિને જોતા આ નિર્ણય કર્યો છે. અમે કાયદાનું પાલન કરનારા વ્યક્તિ છીએ. અમારે એમના આશ્રમમાં જવાનું કોઈ કારણ નથી અને વચ્ચે બાઉન્ડ્રી વૉલ હતી. ફ્રી ઑફ કોસ્ટ જમીન આપી હતી અને હવે જમીન ખાલી કરાવવાનો નિર્ણય લઈએ છીએ.

‘વાલીઓએ આ મુદ્દે ગભરાવવાની જરૂર નથી’

ડીપીએસના આચાર્યએ વધુમાં જણાવ્યું કે 10 વર્ષથી અમારી શાળા અહીં ચાલે છે. જ્યારે હું 7 વર્ષથી કામ કરૂં છું. વાલીઓએ આ મુદ્દે ગભરાવવાની જરૂર નથી. તમારાં બાળકોને 10 વર્ષમાં કંઈ થયું નથી. તો આગામી સમયમાં પણ કઈ નહીં થાય. અમે જમીન લીઝ પર આપી હતી.

DPS દ્વારા સીએસઆર હેઠળનો કરાર પણ રદ
આ ઉપરાંત ડીપીએસએ સીએસઆર(કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સબિલિટી) પ્રવૃત્તિ હેઠળ નિત્યાનંદ આશ્રમ સાથે કરેલો કરાર રદ કરી દીધો છે. આ સંજોગોમાં હવે નિત્યાનંદ આશ્રમના બાળકો કે જેઓને અત્યારસુધી ડીપીએસ સ્કૂલમાં ભણાવાતા હતા અને સ્કૂલબસમાં નિઃશુલ્ક લાવવા-લઈ જવાની સગવડ અપાતી હતી તે બંધ કરી દેવાશે.

જમીન મામલે કલેક્ટરે ખુલાસો માગ્યો
જ્યારે જમીન મામલે કલેક્ટરે ખુલાસો માગ્યો છે કે, તમારી જમીન અને આશ્રમમાં કઈ કઈ પ્રવૃત્તિ કરાવવામાં આવે છે, જમીન પોતાની લીધેલી છે કે ભાડેથી લીધી છે. જો ભાડેથી લીધી છે તો કોની સાથે ભાડા કરાર કર્યો છે?