આચારસંહિતા અમલી થતા 8 હજારથી વધુ બેનર-પોસ્ટર-ઝંડા ઉતારી લેવાયા

ગુજરાત મુખ્ય સમાચાર રાજકીય

લોકસભા ચૂંટણીની તારીખો રવિવારે જાહેર થયા બાદ આદર્શ આચારસંહિતા અમલી બની જતાં જ મેયર સહિતનાં હોદ્દેદારોની ૧૭ જેટલી મોટરકાર મ્યુનિ.માં જમા કરાવી દેવામાં આવી હતી. તો બીજી બાજુ રાજકીયપક્ષોનાં બેનર-પોસ્ટર વગેરે દૂર કરવાની કામગીરી પણ શરૂ કરી દેવાઇ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, ચૂંટણીપંચની આદર્શ આચારસંહિતા મુજબ, સ્થાનિક સ્વરાજની સંસ્થાનાં હોદ્દેદારો મોટરકારનો નિયમ મુજબ ઉપયોગ કરી શકે, પરંતુ વિવાદમાં સપડાવાને બદલે મેયર બિજલબેન પટેલે તમામ હોદ્દેદારો અને કમિટી ચેરમેનોને પોતપોતાની મોટરકાર મ્યુનિ. સેક્રેટરી ઓફિસમાં જમા કરાવી દેવાની સૂચના આપી હતી. જોકે મ્યુનિ. સેક્રેટરી ઓફિસ તરફથી પણ રવિવારે સાંજે જ તમામ ચેરમેન, વિપક્ષનેતા વગેરેને કાર જમા કરાવી દેવા જણાવી દેવાયું હતું. સૂત્રોનાં જણાવ્યા અનુસાર, મ્યુનિ.નાં મેયર સિવાયનાં હોદ્દેદારોએ રજાઓનાં દિવસે મોટરકારનો ઉપયોગ કરવાનો હોતો નથી, પરંતુ કેટલાય ચેરમેન રજાનાં દિવસે પણ મ્યુનિ.ની મોટરકારમાં ફરતાં હોય છે.  મ્યુનિ.નાં ખર્ચે મોટરકારમાં ફરતાં ચેરમેનો આજે પોતાની મોટરકાર અને ટૂ વ્હીલર ઉપર ફરતાં દેખાયા હતા. જયાં સુધી આચારસંહિતા અમલી ગણાશે ત્યાં સુધી તમામને પોતાનાં કે પારકાનાં વાહન વાપરવા પડશે. મ્યુનિ.ની મોટરકાર નહીં મળવાનાં કારણે ધીમે ધીમે મ્યુનિ. કચેરીમાં ચેરમેનો અને કોર્પોરેટરોનું આગમન અનિયમિત થઇ જશે. જેના બચાવમાં પાર્ટીનાં પ્રચારનું કામ શરૂ થઇ ગયું તેમ કહેવાશે.