‘ચોકીદાર ચોર હૈ’ વાળા નિવેદન પર સુપ્રીમ કોર્ટે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને નોટિસ ફટકારી છે. આ મામલે વધુ સુનાવણી તા. 30મી એપ્રિલના રોજ કરવામાં આવશે. બીજેપીના સાંસદ મિનાક્ષી લેખીએ દાખલ કરેલી અરજી પર સુનાવણી કરતા સુપ્રીમે રાહુલ ગાંધીન નોટિસ પાઠવી છે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે રાફેલ મામલે દાખલ કરવામાં આવેલી પિટિશન પર પણ 30મી એપ્રિલના રોજ સુનાવણી કરશે.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાફેલ મામલે સુપ્રીમ કોર્ટમાં પોતાનું નિવેદન દાખલ કરી દીધું છે. રાહુલ ગાંધીએ કોર્ટમાં કહ્યું કે તેઓએ ચૂંટણી પ્રચાર દરમિયાન આવશેમાં આવું નિવેદન આપ્યું હતું, જેનો તેમને ખેદ છે. રાહુલે રાફેલ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતાં કહ્યું હતું કે હવે તો સુપ્રીમ કોર્ટે પણ કહી દીધું છે કે ‘ચોકીદાર ચોર હૈ’. રાહુલે આ નિવેદન બાદ બીજેપી સાંસદ મીનાક્ષી લેખીએ પિટિશન દાખલ કરી રાહુલ ગાંધીની વિરુદ્ધ કોર્ટના અનાદરની ફરિયાદ નોંધાવી હતી.
ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ પોતાની ચૂંટણી રેલીઓમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધવા માટે ‘ચોકીદાર ચોર હૈ’નો નારો સતત લગાવતા રહ્યા છે. રાહુલ ગાંધીનો આરોપ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાફેલ ડીલમાં ગોટાળો કર્યો છે અને અનિલ અંબાણીને લગભગ 30 હજાર કરોડ રૂપિયાનો ફાયદો પહોંચ્યો છે. તેને લઈને રાહુલ વડાપ્રધાન પર સતત હુમલા કરી રહ્યા છે.
સુપ્રીમ કોર્ટે આ પહેલા રાફેલ મામલામાં કેન્દ્ર સરકારને ક્લિન ચીટ આપી ચૂકી હતી અને રાફેલ વિમાની ખરીદ પ્રક્રિયાને યોગ્ય માની હતી. જોકે, ત્યારબાદ પ્રશાંત ભૂષણ, અરૂણ શૌરી અને યશવંત સિન્હાએ કોર્ટના ચુકાદા પર પુનર્વિચાર પિટિશન કરી હતી જેનો કોર્ટે સ્વીકાર કરવાની સાથે જે એક અખબાર દ્વારા પ્રકાશિત દસ્તાવેજોને પુરાવા તરીકે સ્વીકાર્યા હતા.