પહેલવાન બબીતા ફોગટ અને મહાવીર ફોગટ ભાજપમાં જોડાયા

મુખ્ય સમાચાર રાજકીય

બે કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર એક માત્ર મહિલા રેસ્લર બબીતા ફોગટ ભગવા રંગમાં રંગાઈ છે. બબીતા ફોગટ સોમવારે નવી દિલ્હી ખાતેના પાર્ટી કાર્યાલયમાં કાર્યકારી અધ્યક્ષ જય પ્રકાશ નડ્ડા અને કેન્દ્રીય રમત-ગમત મંત્રી કિરણ રિજિજુની હાજરીમાં ભાજપમાં જોડાયા. બબીતા અને મહાવીરના ભાજપમાં જોડાવા પર રમત-ગમત મંત્રીએ બન્ને પહેલવાનનું સ્વાગત કર્યું. સુત્રોના જણાવ્યા અનુસાર ભાજપ વિધાસભા ચૂંટણીમાં બબીતા અથવા મહાવીરને ચૂંટણીના મેદાનમાં ઉતારી શકે છે.

આ વર્ષે હરિયાણામાં રાજ્ય વિધાનસભાની ચૂંટણી થવાની છે. એવામાં મહાવીર અને બબીતાનું ભાજપમાં જોડાવું એ દુષ્યંત ચૌટાલા માટે મોટો ઝટકો છે. હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમ પ્રકાશ ચૌટાલાના પૌત્ર અને અજય સિંહ ચૌટાલાના પુત્ર દુષ્યંત ચૌટાલા હિસારના પૂર્વ સાંસદ છે. એમણે ગત વર્ષે જ ઈન્ડિયન નેશનલ લોકદળથી અલગ જનનાયક જતના પાર્ટીનું ગઠન કર્યું હતું. મહાવીર ફોગટ જનનાયક જનતા પાર્ટીના સ્પોર્ટસ સેલના પ્રમુખ હતા.

ભાજપમાં જોડાવવાના નિર્ણય અંગે મહાવીર ફોગટે કહ્યું કે, ‘એમને નરેન્દ્ર મોદી સરકારની નીતિઓ અને કાર્યક્રમો અસરકારક લાગ્યા છે.’ આ અગાઉ બબીતાએ જમ્મુ-કશ્મીરમાંથી 370 નાબુદ કરવાના નિર્ણય બાદ કેન્દ્ર સરકારની પ્રસંસા કરી હતી. એમણે કહ્યું હતું કે, મારા મનમાં કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન નહોતું કે કલમ 370 હટવી જોઈએ કે નહીં. હું માનું છું કે 370ના કારણે દેશ અને કશ્મીરનું સારૂં નથી થયું. આને બહુ પહેલાં જ હટાવવી જોઈતી હતી. 370 હટાવ્યા બાદ કશ્મીરમાં આંતકવાદ નાબુદ થશે. કશ્મીર વિકાસના માર્ગે આગળ વધશે.

બબીતાએ હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરના કાશ્મીરી વહુ વાળા નિવેદનમાં પણ એમનો બચાવ કર્યો હતો. એમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે, મુખ્યમંત્રીના નિવેદનમાં કાંઈ પણ આપત્તિજનક નથી.