નાગરિકતા બિલના વિરોધમાં શનિવારે બંગળાના ઘણા શહેરોમાં હિંસા અને આગની ઘટનાઓ થઇ. કોલકાતા પાસે હાવડામાં પ્રદર્શનકારીઓએ હાઇવે જામ કરીને 10 બસોમાં આગ લગાવી દીધી હતી. ઘણા અન્ય વાહનો અને કચેરીઓમાં તોડફોડ કરી. તે સિવાય ભીડે સંકરાઇલ સ્ટેશન કોમ્પ્લેક્સ પર પણ તોડફોડ કરીને આગ લગાવવામાં આવી હતી. આ ઘટનામાં બે CRPFના જવાનો સાથે પણ મારપીટ કરવામાં આવી હતી. પૂર્વી રેલવેએ સિયાલદહ-હસનાબાદ વચ્ચે ટ્રેન સેવા રદ્દ કરી નાખી છે. મુખ્યમંત્રી મમતા બેનરજીએ પ્રદર્શનકારીઓને કહ્યું છે કે, લોકતાંત્રિક રીતે વિરોધ કરો અને કાયદો હાથમાં ન લો.નાગરિકતા કાયદાના વિરોધમાં પૂર્વોત્તરના રાજ્યોમાં 6 દિવસથી ઉગ્ર પ્રદર્શન થઈ રહ્યું છે. આસામમાં શનિવારે કર્ફ્યુમાં સવારે 9 વાગ્યાથી 4 વાગ્યા સુધી સાત કલાક માટે છૂટ આપવામાં આવી છે. જોકે, ઈન્ટરનેટ સેવા બંધ રહેશે. બીજીબાજુ ઓલ આસામ સ્ટુડન્ટ્સ યુનિયન (આજસૂ) એ 3 દિવસ માટે સત્યાગ્રહની જાહેરાત કરી. નાગા સ્ટુડેન્ટ્સ ફેડરેશન (NSF)એ શનિવારે 6 કલાક બંધનું એલાન કર્યું હતુ.
- નાગરિકતા સુધારા કાયદાનો વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહના પુતળા દહન કર્યા હતા. આ ઉપરાંત હાવડામાં પ્રદર્શનકારીઓએ હાઈવે બંધ કરાવી દીધો હતો. પોલીસ સાથે પણ તેમની અથડામણ થઈ હતી. પરિસ્થિતિને અંકૂશમાં લેવા માટે લાઠીચાર્જ કર્યો હતો અને ટીયર ગેસ છોડ્યો હતો. પ્રદર્શનકારીઓએ હાઈવે પર એક સરકારી બસ સહિત અનેક પ્રાઈવેટ વાહનોને આગ ચાંપી છે.
- દિલ્હીની જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટીમાં પ્રદર્શન કરી રહેલા 42 વિદ્યાર્થીઓની પોલીસે અટકાયત કરી છે. યુનિવર્સિટી મેનેજમેન્ટ દ્વારા દરેક પરીક્ષાની તારીખ લંબાવી દેવામાં આવી છે.
- પૂર્વોતરમાં ચાલી રહેલા વિરોધના કારણે અમેરિકા, બ્રિટન અને ઈઝરાયલે તેમના નાગરિકો માટે એક ટ્રાવેલ એડ્વાઈઝરી જાહેર કરી છે. અમેરિકન એડ્વાઈઝરી પ્રમાણે તેમણે અનિશ્ચિત મુદ્ત સુધી આસામની ઓફિશિયલ યાત્રા સ્થગિત કરી દીધી છે.
રેલવેએ યાત્રીઓ માટે ચલાવી ખાસ ટ્રેન
ગુવાહાટીમાં ફસાયેલા પ્રવાસીઓ માટે રેલવેએ ખાસ ટ્રેન ચલાવી છે. આ ટ્રેનો યાત્રીઓને રાજ્યના અન્ય સુરક્ષિત સ્ટેશનો સુધી પહોંચાડશે, કે જ્યાંથી તેઓ પોતાના ઘરે જઈ શકશે. ઉત્તર-પૂર્વી સીમાંત રેલવેએ જનસંપર્ક અધિકારીએ આ જાણકારી આપી હતી. શુક્રવારે પણ ફુર્કટિંગ અને દીબ્રુગઢ વચ્ચે ખાસ ટ્રેન દોડાવામાં આવી હતી.
ઈન્ટરનેશનલ ઇવેન્ટ પર વિરોધની અસર
પૂર્વોત્તરના રાજ્યોમાં ભારે વિરોધને પગલે જાપાનના વડાપ્રધાન શિંજો અબે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની 15-16 ડિસેમ્બરના રોજ ગુવાહાટીમાં યોજાનારી મુલાકાત અટકાવવામાં આવી છે. આ અગાઉ બાંગ્લાદેશના વિદેશ પ્રધાન એકે અબ્દુલ મોમેને પણ તેમનો ભારત પ્રવાસ રદ્દ કર્યો હતો.
5 રાજ્યોના મુખ્યમંત્રીઓએ કહ્યું- કાયદો લાગુ થવા દેશું નહીં
ગૃહ પ્રધાન અમિત શાહે શિલોંગનો પ્રવાસ રદ્દ કર્યો છે. તેઓ રવિવારે એક કાર્યક્રમમાં ભાગ લેવાના હતા. પશ્ચિમ બંગાળ, પંજાબ, કેરલા, મધ્ય પ્રદેશ અને છતીસગઢના મુખ્યમંત્રીઓએ કહ્યું છે કે તેઓ પોતાના રાજ્યોમાં નાગરિકતા કાયદો લાગુ નહીં કરે. આ અંગે કેન્દ્રના એક અધિકારીએ જણાવ્યું હતું કે કેન્દ્રના કાયદાનું પાલન કરવામાં રાજ્ય ઈન્કાર કરી શકે નહીં.
વિદ્યાર્થી સંગઠન અને તૃણમુલ કોંગ્રેસ કાયદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં ગયા
ભાજપ દિલ્હી, મુંબઈ, બેંગલુરુ, કોલકાતા, ગુવાહાટી તથા લખનૌમાં 14-18 ડિસેમ્બર વચ્ચે નાકરિકતા સુધારા કાયદાને લઈ જાગૃતિ અભિયાન ચલાવશે. બીજીબાજુ આંદોલનની આગેવાની કરી રહેલા વિદ્યાર્થી સંગઠન ઓલ આસામ સ્ટુડન્ટ યુનિયને કાયદા સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. ઈન્ટરનેટ અને ટેલીફોન સેવાઓ અટકાવવામાં આવી તેને આજે ત્રીજો દિવસ છે. મેઘાલયમાં પણ મોબાઈલ અને ઈન્ટરનેટ સેવા બંધ છે. શિલોંગમાં પણ સ્થિતિ એકંદરે તણાવપૂર્ણ છે.

