આવતીકાલથી અમૂલ દૂધ મોંઘુ, ભાવમાં પ્રતિ લિટરે રૂ.2નો વધારો, 6 મહિનામાં બીજીવાર ભાવ વધાર્યા

ગુજરાત મુખ્ય સમાચાર

GCMMF(ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન) દ્વારા આજે દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ.2નો વધારો કર્યો છે. અમૂલે અગાઉ ચાલુ વર્ષના મે મહિનામાં પણ પ્રતિ લિટર રૂ.2નો વધારો કર્યો હતો. કંપનીના જયંત મહેતાએ DivyaBhaskarને જણાવ્યું હતું કે, બિયારણ તેમજ ઘાસચારાના ભાવમાં વધારો થયો હોવાથી ખેડૂતોને પણ વધુ વળતર મળી રહે તે માટે આ ભાવ વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ભાવ વધારો આવતીકાલ(રવિવાર)થી અમલી બનશે. બીજી તરફ મધર ડેરીએ પણ દૂધમાં લિટરે 3 રૂપિયા સુધીનો વધારો કર્યો છે.

દિલ્હી અને NCR, પશ્ચિમ બંગાળ અને મુંબઈમાં પણ ભાવ વધારો
આ ભાવ વધારો દિલ્હી અને એનસીઆર (NCR), પશ્ચિમ બંગાળ, મુંબઈ અને મહારાષ્ટ્રના અન્ય માર્કેટમાં પણ અમલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ભાવ વધારા બાદ, અમદાવાદ માર્કેટમાં અમૂલ ગોલ્ડના 500 મી.લી.પાઉચનો નવો ભાવ રૂ. 28 થયો છે અને અમૂલ તાજા 500 મી.લી. પાઉચનો ભાવ રૂ. 22 થશે. અમૂલ દ્વારા અમૂલ શક્તિના ભાવમાં કોઈ પણ પ્રકારનો ભાવ વધારવામાં આવ્યો નથી અને 500 મી.લી. પાઉચના રૂ. 25 યથાવત રાખવામાં આવ્યા છે.

પશુદાણ અને બિયારણના ભાવ વધતા દૂધના ભાવમાં વધારો
ભાવ વધારા અંગે અમુલે જણાવ્યું હતું કે, દૂધના ભાવમાં પાછલા 3 વર્ષમાં આ માત્ર બીજો ભાવ વધારો કરવામાં આવેલ છે. પાછલાં 3 વર્ષમાં અમૂલ દ્વારા દૂધની વેચાણ કિમતમાં માત્ર રૂ. 4 પ્રતિલિટરનો ભાવ વધારો કરવામાં આવેલ છે જે વધારો વર્ષે 3% થી પણ ઓછો છે અને તે ફુગાવાના દર કરતાં પણ ઓછો છે. આ વર્ષે પશુદાણના ભાવમાં ગત વર્ષની સરખામણીએ 35%નો વધારો થયેલ છે જેથી દૂધ ઉત્પાદન ખર્ચ વધ્યો છે. આમ, પશુદાણ અને અન્ય ઈનપુટ ખર્ચમાં થયેલ વધારાને ધ્યાનમાં રાખીને દૂધ સંઘો દ્વારા દૂધ ઉત્પાદકોને ચૂકવવામાં આવતા દૂધના ભાવમાં ગત વર્ષની સરખામણીએ રૂ. 100-110 પ્રતિ કિલોગ્રામ ભાવ વધારો કરવામાં આવ્યો છે. દૂધ સંઘો દ્વારા જે દૂધ સંપાદનના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે જે ગત વર્ષ કરતાં 15% વધુ છે અને તેનો સીધો લાભ ગુજરાતનાં 36 લાખ દૂધ ઉત્પાદકોને થયો છે.

દૂધ ઉત્પાદકોને પ્રોત્સાહન મળશે
એ નોંધવું અગત્યનું છે કે અમૂલ સહકારી માળખા દ્વારા ગ્રાહકો પાસેથી જે નાણાં મેળવવામાં આવે છે તેમાંથી 80% નાણાં દૂધ ઉત્પાદકોને પરત આપવામાં આવે છે. દૂધની વેચાણ કિંમતમાં જે ભાવ વધારો કરવામાં આવ્યો છે તેનો મોટા ભાગનો હિસ્સો દૂધ ઉત્પાદકો પાસે પરત જશે અને તેમને દૂધ ઉત્પાદન વધારવા માટે પ્રોત્સાહન મળતું રહેશે.