બિન સચિવાલય પરીક્ષા રદ થઈ શકે છે, FSL રિપોર્ટમાં પેપર લીકના પુરાવા અને CCTV ફૂટેજ સાચા હોવાનો ખુલાસો

ગુજરાત મુખ્ય સમાચાર

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 17 નવેમ્બરના રોજ યોજાયેલી બિન સચિવાલય ક્લાર્કની ભરતી પરીક્ષામાં ગેરરીતિના આક્ષેપ મામલે રચાયેલી SITને આજે 10 દિવસ પૂર્ણ થઈ ગયા છે. આજે આવેલા FSL રિપોર્ટમાં આંદોલનકારી અને વિદ્યાર્થીઓએ આપેલા પેપર લીકના પુરાવા અને સીસીટીવી ફૂટેજ સાચા હોવાનું સામે આવ્યું છે. જેને પગલે બિનસચિવાલયપરીક્ષા થઈ રદ્દ થઈ શકે છે. SIT રિપોર્ટના આધારે પરીક્ષા રદ્દ કરવાનો અંતિમ નિર્ણય મુખ્યમંત્રી પર છોડવામાં આવ્યો છે. આ અંગે સોમવારે મોટી જાહેરાત થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, આજે મળેલી બેઠકમાં FSL રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે.

5 ડિસેમ્બરે SITની રચના થઈ હતી

આ પહેલા 4 ડિસેમ્બરના રોજ પરીક્ષાર્થીઓએ આંદોલન શરૂ કર્યું હતું. જેને પગલે રાજ્ય સરકારે 5 ડિસેમ્બરના રોજ SITની રચના કરી 10 દિવસમાં રિપોર્ટ આપવાની જાહેરાત કરી હતી. આ મામલે આજે આંદોલનની આગેવાની લેનારા યુવરાજસિંહ જાડેજાનો સંપર્ક કર્યો હતો. પરંતુ તેમનો ફોન સ્વીચ ઓફ આવી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા સરકારે રચેલી SIT સમક્ષ ઉમેદવારો વતી ચારેય આગેવાનોની બે વખત બેઠક મળી હતી. જેમાં આંદોલનકારીઓએ પેપરલીકના તેમજ ગેરરીતિના પુરાવાઓ રજૂ કર્યા હતા. તેમજ પુરાવારૂપે આપેલા મોબાઈલ પણ એફએસએલમાં મોકલવામાં આવ્યા છે.