નેશનલ સિટિઝન રજિસ્ટર(એનઆરસી) અંગે ટિપ્પણી કરતા પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ જણાવ્યું હતું કે દેશમાં આર્થિક મંદી છે. મંદીથી ધ્યાન હટાવવા માટે ચંદ્રયાન-2 મિશનનો ઢંઢેરો પિટવામાં આવી રહ્યો છે.મમતા બેનર્જીએ વધુમાં જણાવ્યું હતું કે એવું લાગી રહ્યું છે કે મોદીના સત્તામાં આવ્યા પહેલા આ પ્રકારના મિશન થયા જ ન હતાં. નરેન્દ્ર મોદીની ટીકા કરતા મમતાએ જણાવ્યું હતું કે તમે અમેરિકા, રશિયા અને ઇઝરાયેલને મેનેજ કરી શકો છો પણ બંગાળને નહીં.
ઉલ્લેખનીય છે કે મમતા બેનર્જા મોદી સરકાર વિરૂદ્ધ સતત પ્રહારો કરી રહી છે. તાજેતરમાં જ પશ્ચિમ બંગાળ વિધાનસભામાં રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર(એનઆરસી) વિરૂદ્ધ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. મમતા સરકાર દ્વારા રજૂ કરવામાંઆવેલો આ પ્રસ્તાવ પસાર પણ થઇ ગયો છે.ભાજપ સિવાયના તમામ પક્ષોએ આ પ્રસ્તાવને સમર્થન આપ્યું હતું. ભાજપના ધારાસભ્યોએ પશ્ચિમ બંગાળમાં પણ એનઆરસીની માગ કરી છે. મમતા બેનર્જી 12 સપ્ટેમ્બરે આસામ જાય તેવી શક્યતા છે. ત્યાં જઇને તેઓ વિરોધ પ્રદર્શન કરે તેવી શક્યતા છે.
આ માટે મમતા બેનર્જી તમામ પક્ષોને એક કરવાના પ્રયત્નો કરી રહ્યાં છે. જો કે ભાજપે મમતા બેનર્જાના આ પગલાનો વિરોધ કર્યો છે. આ અગાઉ મમતા બેનર્જીએ એનઆરસીમાંથી ગોરખા સમુદાયના એક લાખથી વધુ લોકોના નામ સામેલ ન કરવા અંગે નારાજગી વ્યક્ત કરી હતી.મમતાએ જણાવ્યું હતું કે એનઆરસીમાંથી હજારો ભારતીય બહાર થઇ ગયા છે. મમતા બેનર્જીએ એક સપ્ટેમ્બરે એક પછી એક ટ્વિટ કરી સરકારને એ સુનિશ્ચિત કરવાની માગ કરી હતી કે મૂળ ભારતીયો આ યાદીમાંથી બહાર રહી ન જાય તેનું ધ્યાન રાખવામાં આવે.
આ દરમિયાન ભાજપે ચંદ્રયાન-2 મિશન અંગે મમતા બેનર્જીની ટિપ્પણીનો જવાબ આપતા જણાવ્યું છે કે જ્યારે સમગ્ર દેશ ઉજવણી કરી રહ્યું છે ત્યારે મમતા બેનર્જી ઉદાસ છે. ભાજપે મમતા બેનર્જી પર દેશની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો આરોપ મૂક્યો છે.