હિમાચલમાં ગ્રામીણો ચૂંટણીનો બહિષ્કાર કરશે

રાજકીય

હિમાચલ પ્રદેશના એક ગામના રહેવાસી 83 વર્ષીય કૌશલ્યા દેવીને પગનું ઓપરેશન કરાવવા માટે ખાટલા પર સુવડાવીને ગામની બહાર લઈ જવાયા અને ગામની બહારથી પાકા રસ્તે એમ્બુયલન્સમાં બેસાડીને હોસ્પિટલ સુધી લઈ જવાયા હતા. હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં લાહરૂ ટીકા ગામના રહેવાસીઓ વર્ષોથી ગામની બહાર આવેલા પાકા રસ્તા સુધી પહોંચવા માટે લગભગ 200 મીટર લાંબા એક સાંકડા કાચા રસ્તાનો ઉપયોગ કરી રહ્યા છે. આ રસ્તો ફક્ત ત્રણ ફૂટ પહોળો છે.

કૌશલ્યા દેવીના સંબંધી વિપિન કુમારે દાવો કરતા કહ્યું છે કે, લાહરૂ ટીકા ગામના લગભગ 300 જેટલા નાગરિકોએ છેલ્લા બે દાયકા કરતા પણ વધુ સમયથી રસ્તો બનાવવાની માગણી કરી રહ્યા છે. દર વખતે સરકારી અધિકારીઓ તેમની આ માગણીને દબાવી દે છે. આ ઉપેક્ષાથી કંટાળીને ગામવાસીઓએ આ વખતે ચૂંટણીનો બહિષ્કાર કરવાની ધમકી આપી છે.