કોલકાતા તા.6 ફેબ્રુઆરી 2019 બુધવાર
પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા દીદીએ મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શિવરાજ સિંઘના હેલિકોપ્ટરને કોલકાતામાં ઊતરવા દેવાનો ઇનકાર કર્યો હતો.
આજે કોલકાતામાં શિવરાજ સિંઘની રેલી યોજાવાની છે. પરંતુ દીદીએ શિવરાજના હેલિકોપ્ટરને ઊતરવાની પરવાનગી આપવાનો ઇનકાર કરીને નવો વિવાદ સર્જ્યો હતો.
અત્યાર અગાઉ દીદીએ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના હેલિકોપ્ટરને ઊતરવા દેવાની પરવાનગી નહીં આપીને વિવાદ સર્જ્યો હતો. એ પહેલાં ભાજપ પ્રમુખ અમિત શાહના હેલિકોપ્ટરને ઊતરવા દીધું નહોતું.
હવે શિવરાજ સિંઘનો વારો કાઢ્યો હતો. જો કે શિવરાજ સિંઘે તરત તક ઝડપી લીધી હતી અને મિડિયાને કહ્યું હતું કે ભાજપના નેતાઓની લોકપ્રિયતા જોઇને દીદી ગભરાઇ ગયાં છે એટલે આવા પગલાં લઇ રહ્યાં છે.
દીદીને ભાજપ અને કોંગ્રેસ બંનેના નેતાઓ પોતાના રાજ્યમાં સભા કે રેલી યોજે એની સામે વાંધો છે. જો કે યોગી આદિત્યનાથે દીદીના આ વર્તનના પ્રતિભાવ રૂપે દીદીને અલાહાબાદના કુંભ મેળામાં આવવાનું ઐાપચારિક આમંત્રણ મોકલ્યું હતું.
સંસદીય ચૂંટણી આડે હવે થોડા મહિના બાકી છે ત્યારે દીદી ભાજપ અને કેન્દ્ર સરકાર સામે પોતાની રીતે વિરોધ નોંધાવવાની એક પણ તક જતી કરતા નથી.

