કોંગ્રેસી સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા અધીર રંજન ચૌધરીએ આજે નરેન્દ્ર મોદીની સરખામણી ગટર સાથે કરતા ભારે ઊહાપોહ મચી ગયો છે.
ચૌધરીએ કહ્યું કે, અમે વડાપ્રધાન મોદીનું સમ્માન કરીએ છીએ અને સમ્માન કરવું પણ જોઈએ કારણ કે તેઓ બીજી વખત દેશના વડાપ્રધાન બન્યા છે. પરંતુ, સ્વ. ઈંન્દિરા ગાંધી અને મોદીની સરખામણી કરતી વખતે તેમની જીભ લપસી ગઇ અને નવો વિવાદ ઉભો કરી બેઠા.
ચૌધરીએ ઈંન્દિરા ગાંધીની સરખામણી મોદી સાથે કરતા કહ્યું કે, ‘ક્યાં મા ગંગા અને ક્યાં ગટર’. ચૌધરીના આ નિવેદનની સાથે ગૃહમાં હંગામો શરૂ થઈ ગયો.
કોંગ્રેસ નેતાએ પોતાના ભાષણમાં કહ્યું કે, સંસદીય પદ્ધતિમાં રાષ્ટ્રપતિના ભાષણમાં સરકારની નીતિઓની ઝલક હોઈ છે અને મને આજે તેના પર મારા વિચારો રજૂ કરવાની તક મળી છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન માત્ર તમારા નહીં, આપણા બધાના છે.
ચૌધરીએ કહ્યું કે, સ્વામી વિવેકાનંદ અને વડાપ્રધાનની તુલના અયોગ્ય છે કારણ કે, માત્ર નામ નરેન્દ્ર હોવાથી સરખામણી ન થઈ શકે. જોકે, પાછળથી તેમને ગૃહમાં માફી માંગતા કહ્યું કે હિન્દી પર મારી પકડ સારી ન હોવાના કારણે આવી ભૂલ થઇ છે.