ખેડૂતોને અને નાના દુકાનદારોને 60 વર્ષ બાદ પેન્શનની સુવિધા

Uncategorized મુખ્ય સમાચાર રાજકીય

લોકસભા ચૂંટણી 2019 માટે ભાજપ સરકારે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરી દીધો છે. અમિત શાહના પ્રારંભિક ભાષણ બાદ ગૃહ મંત્રી રાજનાથ સિંહે ‘સંકલ્પ પત્ર’ની જાહેરાત કરી. વડાપ્રધાન મોદી, અમિત શાહ અને રાજનાથ સિંહે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર કર્યું. ‘સંકલ્પ પત્ર’ની જાહેરાત કરતા રાજનાથ સિંહે કહ્યું હતું કે આ સંકલ્પ પત્રને 12 શ્રેણીઓમાં વિભાજીત કરવામાં આવ્યું છે. દરેક વિષય માટે એક અલગ સમિતિ બનાવવામાં આવી હતી. દરેક સમિતિઓ સાથે ચર્ચા કર્યા બાદ અમે સંકલ્પ પત્ર તૈયાર કર્યું છે.

રાજનાથ સિંહે કહ્યું કે, એક લાખ સુધીના ક્રેડીટ કાર્ડ પર જે લોન મળે છે તેના પર પાંચ લાખ સુધી વ્યાજ લાગશે નહીં. તેમજ ખેડૂતો માટે પાંચ વર્ષ દરમિયાન 25 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. દરેક ખેડૂતોને છ હજાર રૂપિયાનો લાભ મળશે. તેમજ દરેક ખેડૂતોને અને નાના દુકાનદારોને 60 વર્ષ બાદ પેન્શનની સુવિધા પણ આપવામાં આવશે.

અગાઉ કાર્યક્રમની શરૂઆતમાં દેશને સંબોબતા અમિત શાહે મોદી સરકારની સિદ્ધિઓ ગણાવતા દેશનું ગૌરવ વધારવા માટે દેશની જનતાનો આભાર વ્યક્ત કર્યો. તેમણે કહ્યું હતું કે કે, મોદી સરકારના 2014થી 2019ના વર્ષને દેશના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરોથી લખવામાં આવશે.

રાજનાથ સિંહે કહ્યું કે, દેશમાં વિકાસનું પૈડું ઝડપથી ફરી રહ્યું છે. દેશની આંતરિક અને બાહ્ય સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે અમે ઘણા પ્રયત્નો કર્યા છે. આ સંકલ્પના નિર્ણયમાં જનભાગીદારીને સુનિશ્ચિત કરવાના ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા છે. 4000થી વધારે વખત અમે ‘મન કી બાત’ના કાર્યક્રમ યોજ્યા છે. અમે સોશિયલ મીડિયા દ્વારા પણ જનતાના મનની વાત સમજવાના પ્રયત્નો કર્યા છે.

રાષ્ટ્રીય વેપાર આયોગ પંચનું નિર્માણ કરવામાં આવશે. તેમજ સમગ્ર દેશમાં એક જ સાથે લોકસભા તેમજ રાજ્યસભાની ચૂંટણીનું આયોજન થાય તે માટે સામાન્ય સહમતિ બનાવવાનો પ્રયત્ન કરાશે.