CBSE ધોરણ 10-12ની પરીક્ષા પદ્ધતિ બદલશે, હવે ગોખણ પદ્ધતિને બદલે વિચાર અને તર્કને પ્રોત્સાહન મળશે

મુખ્ય સમાચાર શૈક્ષણિક

કેન્દ્રીય માનવ સંશાધન વિકાસ મંત્રાલયે સોમવારે કહ્યું છે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) ધોરણ-10 અને ધોરણ-12ની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરશે. માનવ સંશાધન પ્રધાન
રમેશ પોખરિયાલ નિશંકે કહ્યું હતું કે બોર્ડ ગોખણ પદ્ધતિની પરંપરાનો અંત લાવશે અને વિદ્યાર્થીઓમાં વિચાર તથા તર્કલક્ષી અભિગમ ક્ષમતાને પ્રોત્સાહન આપવા માટે આ પગલું ભર્યું છે. આ ફેરફાર વર્ષ 2020માં યોજાનારી ધોરણ-10 અને ધોરણ-12ની પરીક્ષામાં કરવામાં આવશે.

નિશંકે લોકસભામાં સાંસદ કેશરી દેવી અને ચિરાગ પાસવાનના પ્રશ્નોના જવાબમાં CBSE બોર્ડ દ્વારા કરવામાં આવનાર ફેરફાર અંગે આ માહિતી આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર દેશમાં ધોરણ 10 અને 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા આશરે 32 લાખ છે.

સ્પર્ધા વગરની પરીક્ષાવાળા વિષયોનું આંતરિક મૂલ્યાંકન થશે

નિશંકે જણાવ્યું હતું કે પ્રશ્નોની સંખ્યા ઘટાડવા, ઓબ્જેક્ટિવ પ્રશ્નોની સંખ્યા વધારવા, આંતરિક વિકલ્પ સાથે દરેક વિષયનું આંતરિક મૂલ્યાંકન જેવા ફેરફારો કરવા પર બોર્ડ દ્વારા ભાર આપવામાં આવશે. તમામ પ્રશ્નોના 33 ટકા ભાગમાં વિદ્યાર્થીઓને આંતરિક વિકલ્પ આપવામાં આવશે. એક નંબરવાળા ઓબ્જેક્ટિવ પ્રશ્નોની સંખ્યા પ્રશ્નપત્રમાં 25 ટકા રહેશે. દરેક વિષયના આંતરિક મૂલ્યાંકનના અંક 20 ટકા રહેશે. આ એવા વિષય હશે કે જેમાં સ્પર્ધાત્મક પરીક્ષા યોજાતી નથી.