હીરાપુર સ્થિત નિત્યાનંદ આશ્રમ મામલે વિવાદમાં આવેલી DPS સ્કૂલની માન્યતા CBSE દ્વારા રદ કરી દેવામાં આવી છે. જેના પગલે આજે સવારથી જ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ સ્કૂલે રજtઆત કરવા પહોંચ્યા હતા. ત્યાર બાદ વાલીઓ અને શાળાના પ્રિન્સિપાલ વચ્ચે યોજાયેલી બેઠકમાં પ્રિન્સિપાલે વાલીઓને હૈયાધારણા આપી છે કે, આવતીકાલથી ધો. 1થી 8 રાબેતા મુજબ શરૂ કરાશે. અન્ય વર્ગો શરૂ કરવા માટે શિક્ષણ વિભાગને રજૂઆત કરાશે. જ્યારે વાલીઓએ જણાવ્યું હતું કે તેમના બાળકોના ભવિષ્ય પર અસર ન થવી જોઈએ.મેનેજમેન્ટની ભૂલ હોય તો તેઓ જેલમાં જાય.
આ બેઠક બાદ વાલીઓ રાજ્યના શિક્ષણમંત્રીને મળ્યા હતા. તેમજ આજે સાંજે ડીપીએસએ ધો.1થી 8ની માન્યતા રદ થઈ હોવાને કારણે સ્કૂલ બંધ રહેવા અંગે વાલીઓને મેસેજ દ્વારા જાણ કરી છે.
સરકાર પોતાના હસ્તક સ્કૂલ લઇને ચલાવેઃ વાલીઓ
તેમજ વાલીઓએ માંગ કરી હતી કે સરકાર પોતાના હસ્તક આ સ્કૂલ લઇ અને ચલાવે અને જો આ માંગ નહીં સ્વીકરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે. વાલીઓની એવી પણ રજૂઆત હતી કે સ્કૂલ અને CBSE વચ્ચેના વિવાદમાં તેમના પાલ્યોનું ભવિષ્ય અંધકાર તરફ ધકેલાઈ રહ્યું છે.
DPS મેનેજમેન્ટે સ્કૂલમાં રજા જાહેર કરી, વાલીઓને સ્કૂલે ન આવવા SMS
CBSE દ્વારા DPSની માન્યતા રદ કરવા અંગેનો નિર્દેશ જારી થતાં જ સ્કૂલ મેનેજમેન્ટને ખબર હતી કે સોમવારે વાલીઓના ધાડેધાડા સ્કૂલમાં ઉમટી આવશે. આ કારણે જ સ્કૂલ મેનેજમેન્ટ તરફથી વાલીઓને સોમવારે સવારે જ તમામ વાલીઓને એવો SMS મોકલવામાં આવ્યો હતો કે, આજે વહીવટી કામકાજને લીધે સ્કૂલમાં રજા રહેશે અને વાલીઓએ પણ સ્કૂલમાં ધસી આવવું નહીં કારણ કે પ્રિન્સિપાલ વ્યસ્ત હોવાથી તેમને મળી શકશે નહીં. આને કારણે વાલીઓમાં વધુ ચિંતા વ્યાપી હતી.
DPS-બોપલમાં પાલ્યોને ખસેડવા માટે પણ વાલીઓ તૈયાર
DPS સ્કૂલ સંકુલમાં આજે સવારથી જ એકત્ર થયેલા વાલીઓમાં વ્યાપર રોષ જોવા મળ્યો હતો. કેટલાક વાલીઓએ DivyaBhaskar સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, તેમના પાલ્યોને અધૂરા ધોરણે ક્યાં મૂકવા તે બાબતની તેમને ખૂબ ચિંતા છે. અહીં મોટાભાગે મણિનગર-જશોદાનગર વિસ્તારમાં રહેલા વાલીઓના પાલ્યો ભણે છે અને પોતાના પાલ્યોનું ભવિષ્ય ન બગડે તે માટે તેઓ DPS-બોપલમાં તેમના પાલ્યોને શિફ્ટ કરવામાં આવે તો તે માટે પણ તૈયાર હતા.
DPSના ધો. 10 અને ધો. 12ના વિદ્યાર્થીઓ માર્ચ- 2020 માં પરીક્ષા આપી શકશે
CBSE દ્વારા જારી કરવામાં આવેલા પત્રમાં ઉલ્લેખ કરાયો છે કે હાલ ડીપીએસ સ્કૂલમાં ભણી રહેલા ધોરણ 10 અને ધોરણ ૧૨ના વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતને ધ્યાનમાં રાખીને ચાલુ વર્ષે તેમને સીબએસઈ બોર્ડની પરીક્ષામાં બેસવા દેવાશે. એટલે કે હાલ ડીપીએસમાં ધોરણ-10 અને ધોરણ-12માં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ સ્કૂલની માન્યતા રદ થવા છતાં આગામી માર્ચ 2020 માં લેવાનારી બોર્ડની પરીક્ષામાં બેસી શકશે.
હાલ ધોરણ 9 અને ધોરણ 11માં ભણતા વિદ્યાર્થીઓને બીજી સ્કૂલમાં ખસેડાશે
CBSE બોર્ડ દ્વારા જારી કરાયેલા પત્રમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ડીપીએસ ઇસ્ટ સ્કૂલમાં હાલ ભણી રહેલા ધોરણ 9 અને ધોરણ 11 ના વિદ્યાર્થીઓને ચાલુ શૈક્ષણિક વર્ષ પૂર્ણ થયા બાદ અન્ય સ્થાનિક સ્કૂલમાં ખસેડવામાં આવશે. આ પ્રક્રિયામાં ગુજરાત શૈક્ષણિક બોર્ડ પણ મદદરૂપ થશે. આ ઉપરાંત CBSE બોર્ડ દ્વારા પણ આ વિદ્યાર્થીઓને અન્ય સ્કૂલ માં ખસેડવા બાબતે માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.