વાજપેયીની સુરક્ષામાં કોંગ્રેસે કોઈ ઘટાડો કર્યો નહોતોઃ રાજ્યસભામાં કોંગ્રેસ

મુખ્ય સમાચાર રાજકીય

ગાંધી પરિવારની સભ્યોની એસપીજી સુરક્ષા હટાવવાના મુદ્દે આજે રાજ્યસભામાં ઘમાસાણ સર્જાયુ હતુ.

કોંગ્રેસના સાંસદ આનંદ શર્માએ કહ્યુ હતુ કે, સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની એસપીજી સુરક્ષા પાછી લેવાઈ છે. મનમોહન સિંહ 10 વર્ષ સુધી પીએમ હતા. સોનિયા ગાંધી પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના પત્ની અને ઈંદિરા ગાંધીના પુત્રવધુ છે. આ બંને વડાપ્રધાનોની હત્યા કરાઈ હતી તે ભુલવુ જોઈએ નહી. સરકાર પર તેમની સુરક્ષાની જવાબદારી છે.

તેમણે કહ્યુ હતુ કે, આ મામલાને રાજનીતિથી ઉપર ઉઠીને વિચારવાની જરુર છે.આ કોઈની જિંદગીનો સવાલ છે. હું યાદ દેવડાવવા માંગુ છું કે, યુપીએ દ્વારા 10 વર્ષ શાસન દરમિયાન પૂર્વ પીએમ વાજપેયીની એસપીજી સિક્યુરિટીમાં કોઈ ફેરફાર કરાયો નહોતો.

દરમિયાન ભાજપના સાંસદ અને પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ જે પી નડ્ડાએ જવાબ આપ્યો હતો કે, આ નિર્ણય પાછળ કોઈ રાજકીય બાબત જવાબદાર નથી. ગૃહ મંત્રાલય સમીક્ષા કર્યા બાદ આ પ્રકારના ફેરફાર કરે છે અને તેના ભાગરૂપે ગાંધી પરિવારનુ સિક્યુરિટી કવર બદલાયુ છે.

ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યુ હતુ કે, યુપીએ સરકારમાં સંખ્યાબંધ લોકોની સુરક્ષા ઘટાડાઈ હતી. હું નામ પણ આપી શકું છું. એક તરફ રાજીવ ગાંધીની હત્યાનો હવાલો આપી કોંગ્રેસ સિક્યુરિટી માંગે છે અને બીજી તરફ સોનિયા ગાંધી જ રાજીવ ગાંધીના હત્યારાની સજા ઓછી કરાવે છે.

કોંગ્રેસના સભ્યોએ આ મુદ્દે મંગળવારે પણ હંગામો કર્યો હતો. ઉલ્લેખીય છે કે, હાલમાં જ સરકારે ગાંધી પરિવારના સભ્યોની એસપીજી સુરક્ષા પાછી ખેંચી છે. હવે તેમને સીઆરપીએફની સુરક્ષા આપવામાં આવી છે. તેમને ઝેડ પ્લસ સિક્યુરિટી કવર અપાયુ છે.