CAGના અહેવાલમાં મોદી સરકારને વધુ એક ઝટકોઃ રેલવેતંત્રની હાલત 10 વર્ષમાં સૌથી કમજોર

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

સતત ઘટી રહેલા જીડીપી વિકાસદર સામે બચાવ શોધી રહેલી કેન્દ્ર સરકાર સામે હવે રેલવેતંત્રની કમજોરીએ નવી સમસ્યા ઊભી કરી છે. કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG – કેગ)ના સંસદમાં મૂકાયેલ રિપોર્ટ અનુસાર ભારતીય રેલવેની આવક છેલ્લાં 10 વર્ષમાં સૌથી નીચલા સ્તરે પહોંચી ચૂકી છે. બુલેટ ટ્રેન જેવા અત્યંત ખર્ચાળ અને મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનું નિશાન તાકી રહેલી કેન્દ્ર સરકાર રેલવેની કંગાળ હાલત વિશે બચાવની સ્થિતિમાં મૂકાઈ શકે છે.

કેગના રિપોર્ટ મુજબ, ભારતીય રેલવેનો ઓપરેટિંગ રેશિયો ભયજનક રીતે ઘટીને વર્ષ 2017-18માં 98.44 ટકા થઈ ચૂક્યો છે. આસાન શબ્દોમાં સમજીએ તો, રેલવેતંત્રે 100 રૂપિયા કમાવા માટે 98.44 રૂપિયાનો ખર્ચ કરવો પડે છે. મતલબ કે, નૂરભાડુ, યાત્રીભાડુ, સ્ટોલભાડુ, અન્ય સેવાઓ આપ્યા પછી પણ રેલવેની આવક પૂરી 2 ટકા પણ નથી.

સંસદ સમક્ષ રજૂ થયેલા કેગના અહેવાલ અનુસાર રેલવેતંત્રની આવકનો વૃદ્ધિ દર ઘણો ધીમો છે. તેની સરખામણીએ ખર્ચનો વૃદ્ધિ દર ઘણો જ ઊંચો છે. આથી રેલવેની આવકમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. પોતાના અહેવાલમાં રેલવેને ચેતવણી આપતાં કેગ દ્વારા કેટલાંક ઉપાયો પણ સુચવવામાં આવ્યા છે. એ મુજબ, કેપિટલ લોસમાં કાપ મૂકવા પર ભાર અપાયો છે તેમજ બજારમાંથી મળતાં ફંડનો પૂરો ઉપયોગ કરવાનું સુચન પણ કરવામાં આવ્યું છે.