ઉત્તર પ્રદેશમાં યોગી સરકાર નવા વર્ષમાં તીન તલાક પીડિતાઓની સાથે-સાથે અન્ય ધર્મની ત્યજી દીધેલી મહિલાઓને વાર્ષિક 6000 રુપિયા પેન્શન તરીકે આપવાની તૈયારી કરી રહી છે. જાણકારી મુજબ યોગી સરકાર જાન્યુઆરીમાં થનારી કેબિનેટ બેઠકમાં આ મુદ્દે પ્રસ્તાવ લાવવાની તૈયારીમાં છે. આ મામલે સમાજ કલ્યાણ વિભાગે માળખુ પણ તૈયાર કરી લીધુ છે.
આ સિવાય સરકાર દ્વારા રાજ્યમાંથી 5000 તીન તલાક પીડિતાઓની યાદી પણ બનાવી લેવામાં આવી છે. આ મુદ્દે અલ્પસંખ્યક કલ્યાણ મંત્રી મોહસિન રજાએ જણાવ્યું કે રાજ્ય સરકાર તીન તલાક પીડિત મહિલાઓની સાથે અન્ય ધર્મની ત્યજી દેવાયેલી મહિલાઓને પણ વાર્ષિક પેન્શન આપશે.
નવા વર્ષમાં યોગી સરકાર દ્વારા તીન તલાક પીડિતાઓને વાર્ષિક 6000 રુપિયા પેન્શન પેટે આપવાની યોજનાને બીજેપી ન્યાય ગણાવી રહી છે જ્યારે વિપક્ષનું કહેવું છે કે આટલી ઓછી રકમથી શું થશે?
રાજ્ય સરકાર ટૂંક જ સમયમાં આ પ્રસ્તાવ કેબિનેટમાં લાવશે, જે હેઠળ મહિલાઓને આર્થિક મદદ આપવામાં આવે. આ પ્રસ્તાવ હેઠળ લાભ લેનાર પીડિત મહિલાઓની કોઇ ઉંમર મર્યાદા નક્કી કરવામાં આવી નથી. આ માટે અત્યાચાર સામે FIR કે કોર્ટમાં ભરણ પોષણના કેસને આધાર માનવામાં આવશે. આ યોજના હેઠળ અન્ય ધર્મની પીડિત મહિલાઓને પણ આવરી લેવામાં આવશે.

