ભારતીય સેનામાં કોરોના વાયરસનો પ્રથમ કેસ સામે આવ્યો છે. ભારતીય સેનાના 34 વર્ષીય જવાનને 2 માર્ચ સુધી રજા પર મોકલી દેવામાં આવ્યો છે. હાલમાં તેને આઈસોલેશન સેન્ટરમાં રાખવામાં આવ્યો છે. આ અગાઉ જવાનના પિતાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ મંગળવારના રોજ જવાનનો રિપોર્ટ પણ પોઝિટિવ આવતા ભારતીય સેનામાં ચિંતાની લાગણી પ્રસરી છે.
જવાનના પિતા 27 ફેબ્રુઆરીના રોજ ઈરાનથી ભારત પરત ફર્યા હતા. ત્યારબાદ તેમને 29 માર્ચના રોજ લદ્દાખ હાર્ટ ફાઉન્ડેશનમાં ચેપથી બચવા માટે લોકોથી અલગ રાખવામાં આવ્યા હતા. આ દરમિયાન જવાન પોતાના પરિવારની મદદ કરવા માટે પોતાના ગામ ચુચોટ આવ્યો હતો. જવાનના પિતા કોરોના વાયરસથી સંક્રમિત થયા હોવાની પુષ્ટિ 6 માર્ચના રોજ થઈ ચૂકી હતી. ત્યારબાદ તેમને એસએનએમ હોસ્પિટલમાં આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે.
ત્યારબાદ 7 માર્ચના રોજ જવાનને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યો હતો અને 16 માર્ચના રોજ જવાનનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ તેમને પણ તે જ હોસ્પિટલમાં આઈસોલેશનમાં રાખવામાં આવ્યો હતો. તેમની બહેન, પત્ની અને બંને બાળકોને પણ એસએનએમ હાર્ટ ફાઉન્ડેશનમાં ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.

