મધ્યપ્રદેશમાં કમલનાથ સરકારને ઉથલાવવા માટેના પ્રયાસો વચ્ચે સુપ્રીમ કોર્ટમાં મામલો પહોંચ્યો છે. કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં દલીલમાં જણાવ્યું છે કે, બળવાખોર ધારાસભ્યોના રાજીનામાની બાબત તપાસ કરવાની જરૂર છે. ભાજપના નેતાઓએ સ્પીકરને આ રાજીનામા આપ્યા છે જેને પગલે આ મામે ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ તેમ કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું છે.
કોંગ્રેસે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ડી વાય ચંદ્રચુડ અને જસ્ટિસ હેમંત ગુપ્તાનીની બેન્ચ સમક્ષ દલીલ કરતા જણાવ્યું કે, મધ્યપ્રદેશમાં તેમના ધારાસભ્યોના રાજીનામા બળપૂર્વક લેવામાં આવ્યા છે અને તેઓએ સ્વતંત્ર રીતે પોતાની ઈચ્છા મુજબ રાજીનામા નથી આપ્યા.
વરિષ્ઠ વકીલ દુષ્યંત દવેએ કોંગ્રેસનો પક્ષ લેતા દલીલ કરી હતી કે કેટલાક એમએલએને ચાર્ટર્ડ વિમાન દ્વારા લઈ જવાયા હતા અને તેમને રિસોર્ટમાં ગોંધી રાખવામાં આવ્યા છે. ભાજપ દ્વારા આ સમગ્ર ગોઠવણ કરવામાં આવી છે. કોંગ્રેસે એવી પણ દલીલ કરી છે કે ગૃહમાં મુખ્યમંત્રી કે સ્પીકરને ફ્લોર ટેસ્ટ હાથ ધરવા માટે રાજ્યપાલ જણાવી શકે નહીં. ગૃહમાં સ્પીકર સૌથી સર્વોચ્ચ હોય છે અને રાજ્યપાલ તેમના પર હાવી થઈ રહ્યા છે.

