સ્પીકરે કહ્યું- વિશ્વાસ મત પર આજે નિર્ણય લેવાશે, દરેક સભ્યને બોલવા માટે માત્ર 10 જ મિનિટ

મુખ્ય સમાચાર રાજકીય

બેંગલુરુઃ કર્ણાટકમાં કુમારસ્વામી સરકાર બહુમતી પુરવાર કરી શકે છે. સ્પીકર રમેશ કુમારે કહ્યું કે વિશ્વાસ મત પર નિર્ણય આજે જ લેવાશે. તેઓએ કહ્યું કે દરેખ સભ્ય માત્ર 10 જ મિનિટ બોલશે, મને વારંવાર આ વાત કહેવી ન પડે. આ પહેલાં વિધાનસભાની કાર્યવાહી શરૂ થતાં પહેલાં સ્પીકરે અયોગ્યતાના મુદ્દે 15 બળવાખોર ધારાસભ્યોને નોટિસ ઈશ્યૂ કરી છે. સ્પીકરે ધારાસભ્યોને 23 જુલાઈએ 11 વાગ્યા સુધીમાં પોતાની ઓફિસે આવવાના આદેશ આપ્યાં છે.
કાર્યવાહી દરમિયાન સ્પીકરે કહ્યું કે, “આજે હું એક આદેશ પસાર કરીશ. સુપ્રીમ કોર્ટનો આદેશ સમજવામાં મોડું થયું છે. તમામ સભ્ય ગૃહની ગરિમા બનાવી રાખે. અહીં સમય બરબાદ કરવાથી વિધાનસભા, સ્પીકર અને ધારાસભ્યોની છબી ખરાબ થાય છે.” કુમારસ્વામીના વિશ્વાસ મત પ્રસ્તાવ પર ગુરૂવાર અને શુક્રવારે વિધાનસભામાં ચર્ચા થઈ હતી.

સ્પીકર પહેલાં રાજીનામા પર નિર્ણય લે- કોંગ્રેસ: કોંગ્રેસના નેતા ડીકે શિવકુમારે કહ્યું કે, ભાજપ ખુરસી ઈચ્છે છે તો તે વાતને સ્વીકાર કેમ નથી કરતા? તેઓ ઓપરેશન લોટસની વાત કેમ નથી માનતા? તેઓએ બળવાખોર ધારાસભ્યોના સંપર્કમાં હોવાની વાત સ્વીકારવી જોઈએ. કોંગ્રેસ ધારાસભ્ય કૃષ્ણા બાયરે ગૌડાએ કહ્યું કે- અમે અસાધારણ પરિસ્થિતિઓમાં છીએ. હું સ્પીકરને અપીલ કરું છું કે વિશ્વાસ મત માટે વોટિંગ પહેલાં તેઓ રાજીનામા અંગે કોઈ નિર્ણય લે.

અપક્ષ ધારાસભ્યોની અરજી આજે નહીં સાંભળે SC: અપક્ષ ધારાસભ્યો દ્વારા સુપ્રીમ કોર્ટમાં જે અરજી દાખલ કરવામાં આવી હતી તેના પર CJIએ આજે સુનાવણી કરવાનો ઈન્કાર કર્યો છે. મુકુલ રોહતગીએ અપક્ષ ધારાસભ્યો તરફથી મામલો ઉઠાવ્યો તો CJI રંજન ગોગોઇએ કહ્યું અસંભવ, આજે સુનાવણી ન થઈ શકે. આ ધારાસભ્યોએ વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ જલદી કરાવવાની અપીલ કરી હતી.

સરકાર બચાવવા JDS ત્યાગ આપવા તૈયાર- શિવકુમારઃ કર્ણાટકમાં સોમવારે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ થવાનો છે પરંતુ આ પહેલાં કર્ણાટકના રાજકારણમાં નવો વણાંક આવ્યો છે. કોંગ્રેસના નેતા ડીકે શિવકુમારે કહ્યું કે સરકાર બચાવવા માટે JDS કોઈ પણ ત્યાગ માટે તૈયાર છે. એટલું જ નહીં એચડી કુમારસ્વામીની પાર્ટી કોંગ્રેસ તરફથી કોઈને પણ મુખ્યમંત્રી બનાવવા માટે પણ તૈયાર છે. ડીકે શિવકુમારના જણાવ્યા મુજબ JDSએ આ અંગે અમારા હાઈકમાન્ડને પણ જાણ કરી દીધી છે. વિશ્વાસ મત પર વોટિંગ પહેલાં ડીકે શિવકુમારનું આ નિવેદનથી શું સરકારને બચાવી શકાશે.

કુમારસ્વામીનું સમર્થન કરશે બસપાના ધારાસભ્યઃ કર્ણાટકમાં બસપાના એક માત્ર ધારાસભ્ય એન મહેશને પાર્ટી પ્રમુખ માયાવતીએ કુમારસ્વામીના પક્ષમાં સમર્થન કરવાના નિર્દેશ આપ્યાં છે. આ પહેલાં એન મહેશે કહ્યું હતું કે તેઓ ફ્લોર ટેસ્ટ દરમિયાન તટસ્થ રહેશે. જો કે વિશ્વાસ મત પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન બસપાના ધારાસભ્ય ગૃહમાં ગેરહાજર હતા.

ગઠબંધન સરકારને પાઠ ભણાવવા માગીએ છીએ- બળવાખોર ધારાસભ્યો: રવિવારે મુખ્યમંત્રી કુમારસ્વામીએ કોંગ્રેસ-જેડીએસ ધારાસભ્યો સાથે તાજ હોટેલમાં બેઠક કરી હતી. ભાજપ નેતા બીએસ યેદિયુરપ્પાએ ફરી કહ્યું કે, સોમવારે ગઠબંધન સરકારનો છેલ્લો દિવસ હશે. તો બીજી બાજુ મુંબઈમાં હાજર બળવાખોર ધારાસભ્યોએ કહ્યું કે, અમે અહીં ફક્ત ગઠબંધન(કોંગ્રેસ-જેડીએસ)સરકારને પાઠ ભણાવવા માટે આવ્યા છીએ. આ ઉપરાંત કોઈ બીજો હેતુ નથી. અમે અહીં પૈસા અથવા કોઈ બીજી વસ્તુની લાલચમાં આવ્યા ન હતા.ફરી એકવાર બધુ બરાબર થઈ જશે, બેંગલુરુ પરત જતા રહીશું.

કુમારસ્વામીએ રાજ્યપાલની બે ડેડલાઈનની અવગણના કરી: રાજ્યપાલ વજુભાઈ વાળાએ કુમારસ્વામીને બહુમતી સાબિત કરવા માટે શુક્રવાર બપોર 1.30 કલાક અને પછી સાંજે 6 વાગ્યા સુધીની ડેડલાઈન આપી હતી. પરંતુ મુખ્યમંત્રીએ આ દિવસે વિશ્વાસ મત સાબિત કરી શક્યા ન હતા. કુમારસ્વામીએ શુક્રવારે કહ્યું કે, મારા મનમાં રાજ્યપાલ માટે સન્માન છે, પરંતુ તેમના બીજા લવ લેટરે મને અસ્વસ્થ કર્યો છે. હું ફ્લોર ટેસ્ટનો નિર્ણય સ્પીકર પર જ છોડી દઉં છું. હું સ્પીકરને અપીલ કરું છું કે રાજ્યપાલ તરફથી મોકલવામાં આવેલા પત્રથી મારી રક્ષા કરે.

ગઠબંધન સરકારને તોડી પાડવાનો માહોલ બનાવાઈ રહ્યો છે- કુમારસ્વામી: મુખ્યમંત્રી યેદિયુરપ્પાએ સામાન્ય સચિવ પીએ સંતોષ સાથે અપક્ષ ધારાસભ્ય એચ નાગેશનો ફોટો બતાવતા કહ્યું કે, શું સાચ્ચે જ તેમને ધારાસભ્યોના ખરીદ વેચાણ વિશે 10 દિવસ પહેલા જ ખબર પડી હતી? જ્યારથી કોંગ્રેસ-જેડીએસની સરકાર બની ત્યારથી જ તેને તોડી પાડવાના પ્રયાસો શરૂ થઈ ગયા હતા. મને પહેલા દિવસથી જ ખબર હતી કે સત્તા વધારે દિવસ ટકશે નહીં, જોવું છું ભાજપ કેટલા દિવસ સરકાર ચલાવે છે?

સુપ્રીમ કોર્ટના નિર્ણય વિરુદ્ધ કોંગ્રેસે અરજી કરી: કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. જેમાં સુપ્રીમ કોર્ટના 17 જુલાઈના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો. જો કે કોર્ટે 17 જુલાઈએ કહ્યું હતું કે, 15 બળવાખોર ધારાસભ્યોને ગૃહની કાર્યવાહીનો ભાગ બનવા માટે મજબૂર ન કરી શકાય. આ ધારાસભ્યો પર વ્હિપ લાગુ નહીં થાય. કોંગ્રેસ કર્ણાટક ચીફ દિનેશ ગુંડૂ રાલે અરજી કરી કોર્ટના નિર્ણય પર સ્પષ્ટીકરણ માગ્યું હતું. જેમાં કહેવામાં આવ્યું હતું કે, કોર્ટનો આદેશ વ્હિપ લાગુ કરીને પાર્ટીના અધિકારને પ્રભાવિત કરે છે.

જેડીએસના ધારાસભ્યો માટે વ્હિપ લાગુ કરાયું હતું: મુખ્યમંત્રી કુમારસ્વામીએ જેડીએસના તમામ 37 ધારાસભ્યોને ગૃહમાં હાજર રહેવા માટે વ્હિપ લાગુ કર્યો હતો. જેમાં તેમની પાર્ટીના ત્રણ બળવાખોર ધારાસભ્યો નારાયણ ગૌડા, ગોપાલૈયા અને એચ વિશ્વનાથ પણ સામેલ છે. જેડીએસે કહ્યું કે, જો ધારાસભ્ય હાજર નહી રહે અથવા વિશ્વાસમતની વિરોધમાં મત આપશે તો પક્ષપલટાના કાયદા હેઠળ તેમને અયોગ્ય સાબિત કરવાની કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે, રાજીનામું આપવાનારા કોંગ્રેસ ધારાસભ્ય રામલિંગા રેડ્ડીએ કહ્યું કે, તેઓ પાર્ટીમાં છે અને સરકારના પક્ષમાં વોટિંગ કરશે.

કોંગ્રેસના 13 અને જેડીએસના 3 ધારાસભ્યોએ રાજીનામું આપ્યું: ઉમેશ કામતલ્લી, બીસી પાટિલ, રમેશ જારકિહોલી, શિવારામ હેબ્બર, એચ વિશ્વનાથ, ગોપાલૈયા, બી બસ્વરાજ, નારાયણ ગૌડા, મુનિરત્ના, એસટી સોમાશેખરા, પ્રતાપ ગૌડા પાટિલ, મુનિરત્ના અને આનંદ સિંહ રાજીનામું આપી ચુક્યા છે. સાથે જ કોંગ્રેસના સસ્પેન્ડ ધારાસભ્ય રોશન બેગે પણ રાજીનામું આપી દીધું છે. 10 જુને સુધાકર, એમટીબી નાગરાજે રાજીનામું આપી દીધું હતું.