બાંદ્રામાં MTNLની 9 માળની બિલ્ડિંગમાં ભીષણ આગ, ફાયરવિભાગે 60 લોકોનો સુરક્ષિત બચાવ કર્યો

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

મુંબઈઃ શહેરના બાંદ્રા વેસ્ટ વિસ્તારમાં એમટીએમનએલની 9 માળની ઈમારતમાં સોમવારે ભીષણ આગ લાગી હતી. ઈમારતની છત પર અંદાજે 40 લોકોના ફસાયા હોવાની સૂચના મળી છે. ફાયરવિભાગે 60 લોકોને બહાર કાઢી સુરક્ષિત બચાવ કર્યો છે. તેમને ક્રેનની મદદથી ઈમારતની છત પરથી ઉતારવામાં આવ્યા છે. જો કે હાલ કોઈ પણ પ્રકારની જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.

આગ બુઝાવવા માટે ઘટનાસ્તળે ફાયરબ્રિગેડની 31 ગાડીઓ હાજર છે. ફાયરવિભાગ પ્રમાણે, આ ફક્ત લેવલ -4ની આગ છે. જેને બુઝાવવા માટે ફાયરકર્મીઓ એક નવા રોબોટ સિસ્ટમની મદદ લઈ રહ્યા છે.

લોકોને ઈમારતથી દુર રહેવા માટેની અપીલઃ મળતી માહિતી પ્રમાણે, ઈમારતના ત્રીજા અને ચોથા માળ પર આગ લાગી હતી. કર્મચારીઓના કહ્યાં પ્રમાણે, એસીમાં શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હતી. ત્યારબાદ આગ ફેલાઈ હતી. શહેરનો ભીડભાડ વાળો વિસ્તાર હોવાના કારણે રસ્તો જામ થઈ ગયો હતો. પોલીસ અને ફાયર બ્રિગેડના અધિકારી લોકોને ઈમારતથી દુર રહેવાની અપીલ કરી છે.

આ પહેલા મુંબઈમાં જ તાજમહેલ અને ડિપ્લોમેટ હોટલ પાસે આવેલી ચર્ચિલ ચેમ્બર બિલ્ડિંગમાં આગ લાગી ગઈ હતી. ફાયરવિભાગના કર્મચારીઓએ 14 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું. સાથે બે લોકો ગંભીર રીતે ઘવાયા હતા.