ચંદ્રયાન-૨ તમામ ભારતીયો માટે ગૌરવની ક્ષણ: વડાપ્રધાન મોદી

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

સોમવારે ચંદ્રયાન-૨ સફળતાપૂર્વક લોન્ચ થયા પછી વડાપ્રધાન નરેનદ્ર મોદીએ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)નાં ચીફ કે. સિવન અને તેમની સમગ્ર ટીમને અભિનંદન આપ્યા હતાં. પીએમ મોદીએ પોતાના સંદેશામાં કહ્યું હતું, ‘ડો. સિવનજી, તમારી ટીમને ખૂબ ખૂબ અભિનંદન. ચંદ્રયાન-૨ મિશન સફળતાથી લોન્ચ કરવા માટે આપને અને આપની સમગ્ર ટીમને ખૂબ અભિનંદન. આજનું આ સફળ લોન્ચ તમામ ભારતીયો માટે ગૌરવની ક્ષણ બની રહેશે. ગત સપ્તાહે, તમે અને તમારી ટીમે કાળજીપૂર્વક ટેકનીકલ ક્ષતિ શોધી કાઢી અને તેને દૂર કરવા માટે જરૂરી કદમ ઉઠાવ્યા હતા. હવે તેના એક જ સપ્તાહમાં તમે આ લોન્ચ કરીને સફળતા પ્રાપ્ત કરી છે. આ માટે, આપ સૌ અભિનંદનના હકદાર છો. આ દર્શાવે છે કે આપણા વિજ્ઞાનીઓમાં પ્રતિભા, કટિબદ્ધતા અને તમામ પડકારોનો સામનો કરવાનો આત્મવિશ્વાસ છે. જેટલો મોટો પડકાર, એટલી જ વધુ તમારી કટિબદ્ધતા રહી છે.

મને જણાવાયું હતું કે એક સપ્તાહના વિલંબ પછી પણ ચંદ્ર પર ઉતરાણની તારીખ અગાઉની જેમ યથાવત્ રહેશે. તમે ગત સપ્તાહે મળેલી ટેકનીકલ ક્ષતિ તો દૂર કરી પરંતુ હવે તો ચંદ્ર પર ઓછા સમયમાં પહોંચવાનો પણ નિર્ધાર કર્યો છે. ચંદ્રયાન-૨ તેના મિશનમાં સફળ રહેશે, તે ચંદ્ર પર ઉતરનાર પ્રથમ ભારતીય સ્પેસક્રાફ્ટ બનશે અને તેના લીધે ભારત ચંદ્ર પર ઉતરાણ કરનાર ચોથો દેશ બનશે. – દરેક ભારતીયનાં મનમાં આ જ વિશ્વાસ છે.’