પ્રથમ પ્રયાસે ચંદ્રયાન-2 લૉન્ચ થઈ શક્યું ન હતું, માટે ઈસરોના વિજ્ઞાાનીઓ સહિત સૌ કોઈ માયુસ થયા હતા. અલબત્ત એ નિષ્ફળતા ન હતી, પરંતુ ચંદ્રયાન-2ને કોઈ અડચણ ન આવે એટલા માટે છેલ્લી ઘડીએ દુર્ઘટના સે દેર ભલીના હિસાબે મિશન અટકાવી દેવાયું હતુ. એ પછી જો લૉન્ચિંગમાં વાર લાગે તો નવેસરથી ગણતરીઓ કરવી પડે. માટે તુરંત લૉન્ચિંગ થઈ શકે એ માટે ઈસરોની ટીમે રાત દિવસ કામ કર્યું હતું. રાષ્ટ્રપતિ અને વડા પ્રધાને આ સફળતા માટે ઈસરોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે મિશનની સફળતા પછી ઈસરોના ચેરમેન કે.સિવાન સાથે ફોન પર વાત કરી હતી.
યાનના લૉન્ચિંગ પછી શ્રીહરિકોટા ખાતેના કન્ટ્રોલરૂમમાં વિજ્ઞાાનીઓ અને હાજર મહાનુભાવોને સંબોધતા ઈસરોના ચેરમેને કહ્યું હતું કે મિશનની સફળતા માટે ઈસરોના બધા વિજ્ઞાાનીઓએ સાત દિવસથી રાત-દિવસ જોયા નથી. પરિવાર સાથે સંપર્ક ઓછા કરી નાખ્યા હતા અને બીજા કોઈ પણ મુદ્દા પર ધ્યાન આપ્યા વગર મિશનની સફળતા માટે લાગી પડયા હતા. તો વળી સફળતા પછી વડા પ્રધાને ઈસરોને અભિનંદન પાઠવ્યા હતા. સાથે સાથે આ સફળતાથી 130 કરોડ ભારતીયોનું મસ્તક ગૌરવથી ઊંચુ થયાનું પણ જણાવ્યું હતું. વડા પ્રધાને પોતાની ઓફિસમાંથી જ ટીવી પર સમગ્ર લૉન્ચિંગ પ્રક્રિયા નિહાળી હતી.
કોંગ્રેસ સહિત અન્ય રાજકીય પક્ષો અને રાજકીય આગેવાનોએ પણ ઈસરોની સફળતા માટે ઈસરો અને તેના વિજ્ઞાાનીઓને અભિનંદન આપ્યાં હતા. કોંગ્રેસે વળી એવુ પણ કહ્યું હતુ કે પંડિત નહેરૂએ ઈસરોની સ્થાપના કરી અને ફંડ આપ્યું માટે ઈસરો આજે જ્યાં છે ત્યાં પહોંચી શક્યુ છે. કેમ કે તત્કાલીન વડા પ્રધાન પંડિત નહેરૂએ 1962માં ફંડ આપીને ઈનકોસ્પાર સંસ્થાની સ્થાપના કરી હતી, જે આજે ઈસરો તરીકે ઓળખાય છે. એટલું જ નહીં વડા પ્રધાન મનમોહનસિંહે 2008માં ચંદ્રયાન-2 માટે ફંડ મંજૂર કર્યું હતુ એ પણ કોંગ્રેસે યાદ કરાવ્યું હતું.
વડા પ્રધાને ઉમેર્યું હતું કે ઈસરોની આ સફળતાથી આપણુ ચંદ્ર વિશેનું જ્ઞાાન તો વધશે જ. સાથે સાથે યુવા પેઢી પણ વિજ્ઞાાન અને સંશોધનમાં રસ લેતી થશે જે મોટી વાત છે. માટે આ મિશનથી દરેક ભારતીયના હૃદયમાં આનંદની લહેર છવાઈ ગઈ છે. વડા પ્રધાને એ પણ ઉમેર્યું હતું કે ઈસરોના વિજ્ઞાાનીઓમાં સતત મથ્યા કરવાની અને ગમે તેવી મુશ્કેલી સામે લડતા રહી સફળતા મેળવવાની અજબની ધિરજ અને આવડત છે, જે પ્રેરણાદાયી છે.