અમેરિકાની CIAના જાસૂસોને ઈરાને કરી મોતની સજા

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

અમેરિકા અને ઈરાન વચ્ચે વધેલા તણાવ વચ્ચે ઈરાનને દાવો કર્યો છે તે તેણે અમેરિકાની જાસૂસી સંસ્થા સીઆઈએ માટે કામ કરી રહેલા 17 જાસૂસોની ધરપકડ કરી છે અને તેમાંથી કેટલાકને મોતની સજા કરવામાં આવી છે.

ઈરાનના ગુપ્તચર વિભાગે કહ્યું કે ધરપકડ કરાયેલા લોકો સૈન્ય અને પરમાણુ ગતિવિધિઓ વિશે માહિતી ભેગી કરી રહ્યા હતા.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનનો આ દાવો નકારી કાઢ્યો છે અને કહ્યું છે કે આ સાવ ખોટું છે.

ઈરાનના સરકારી મીડિયાએ જાહેરાત કરી છે કે કથિત જાસૂસોની ધરપકડ માર્ચ 2019 સુધી એક વર્ષમાં કરવામાં આવી છે.

ગત શુક્રવારે ઈરાનની ખાડીમાં બ્રિટનનું તેલ ટૅન્કર જપ્ત કરવાનો અહેવાલ હતો.

વળી, ગત મહિને ઈરાને અમેરિકાનું એક ડ્રૉન ઉડાવી દીધું હતું અને કહ્યું હતું કે તે ઈરાનની હવાઈ સીમામાં પ્રવેશ્યું છે. જોકે, અમેરિકાએ ઈરાનનો આ દાવો પણ નકારી કાઢ્યો હતો.

આ ઘટના પછી એવો પણ અહેવાલ હતો કે ઈરાન પર હુમલો કરવા માટે અમેરિકાની સેના તૈયાર હતી, પરંતુ રાષ્ટ્રપતિ ટ્રમ્પે છેલ્લી ઘડીએ હુમલો રોકી દેવાનો આદેશ આપ્યો.

અત્યારે ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવની સ્થિતિ છે.