આખા દેશમાં ચકચાર મચાવનાર નિર્ભયા ગેંગરેપ અને હત્યા કેસના તમામ ચારેય આરોપીઓને શુક્રવારે સવારે ૫.૩૦ કલાકે ફાંસીના માંચડે લકટાવવાનું નક્કી થઈ ગયું છે. છેલ્લી ઘડીએ કોઈ કાનૂની અવરોધ ન સર્જાય તો તિહાર જેલમાં દુષ્કર્મ દોષિતોને ફાંસીના માંચડે લટકાવી દેવામાં આવશે. સુપ્રીમ કોર્ટે ગુરુવારે દોષિત મુકેશસિંહની અરજીને ફગાવી હતી. જ્યારે પતિયાલા હાઉસ કોર્ટે પણ ચારેય દોષિતોની ફાંસી સામે ડેથ વોરન્ટ પર સ્ટે આપીને ફાંસી રોકવાની માગણી કરતી અરજી ફગાવતા ૭ વર્ષ ૩ મહિના ૩ દિવસ પછી તમામને ફાંસી આપવાનો કાનૂની માર્ગ ખુલ્લો થઈ ગયો છે. આરોપીઓના વકીલ દ્વારા ફાંસી રોકવા કોરોના સહિત તમામ દાવપેચ લગાવવામાં આવ્યા હતા જે નિષ્ફ્ળ ગયા હતા. તિહાર જેલમાં કોરોનાનો કહેર હોવાથી કેદી તેની ચપેટમાં આવી શકે છે. દેશમાં કોરોના ચાલી રહ્યો છે ત્યારે આ ફાંસી આપવાનો યોગ્ય સમય નથી તેથી આરોપીઓને સુરક્ષા આપીને ફાંસી રોકવા વકીલે અરજ કરી હતી. મુકેશના વકીલે દાવો કર્યો હતો કે ગેંગરેપના સમયે તે દિલ્હીમાં હાજર જ ન હતો તે દલીલ પણ ફગાવાઈ હતી. ગુરુવારે સુપ્રીમના જજ રમન્નાના વડપણ હેઠળની ૬ જજની બેન્ચે બીજા દોષિત પવન ગુપ્તાની ક્યૂરેટિવ પિટિશન પણ ફગાવી હતી. પવને ઘટના વખતે પોતે સગીર હોવાની દલીલ કરી હતી. જે કોર્ટે માન્ય રાખી ન હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પવન અને અક્ષય ઠાકુરની બીજી વખતની દયાની અરજી પણ ફગાવી દીધી છે. આમ ચારેય આરોપી પાસે હવે કોઈ કાનૂની વિકલ્પ બાકી રહેતો નથી તેવું સરકારી વકીલે કોર્ટેને જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટે મુકેશની અરજી ફગાવતા કહ્યું હતું કે આરોપીએ તેના તમામ વિકલ્પનો ઉપયોગ કરી લીધો છે આથી હવે કોઈ નવા પુરાવા પર વિચારી શકાય નહીં. દિલ્હીની પતિયાલા હાઉસ કોર્ટની બહાર સુનાવણી વખતે અક્ષયની પત્ની બેહોશ થઈ ગઈ હતી.
ઘટના શું હતી?
દિલ્હીમાં પેરામેડિકલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની પર ૧૬ ડિસેમ્બર ૨૦૧૨ના રોજ ૬ નરાધમો દ્વારા લિફ્ટ આપીને મોડી રાત સુધી ચાલતી બસમાં દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. મોડી રાત્રે તેને નિઃસહાય હાલતમાં રસ્તા પર ફેંકી દેવામાં આવી હતી. ગંભીર ઈજાને કારણે ૨૬ ડિસેમ્બરે સિંગાપુરમાં સારવાર વખતે પીડિતાનું મોત થયું હતું. પીડિતાના મિત્રએ બચાવવાની કોશિષ કરતા તેને ઢોર માર મારવામાં આવ્યો હતો.
મેમણની જેમ અડધી રાત્રે કોર્ટ ખોલાવી
ડેથ વોરન્ટ મુજબ તેમનો ૧૪ દિવસનો સમય પૂરો થઈ ગયો છે. તમામ કાનૂની વિકલ્પો પૂરા થઈ ગયા છે. યાકુબ મેમણની જેમ મોડી રાત્રે સુપ્રીમ કોર્ટ ખોલાવીને દયાની અરજી કરવામાં આવે તો પણ રાષ્ટ્રપતિ તે ફગાવે તો ફાંસી નક્કી છે.
ત્રણ દોષિતોએ સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી
બુધવારે ૩ દોષિતો અક્ષય ઠાકુર, વિનય શર્મા અને પવન ગુપ્તાએ સેશન્સ કોર્ટમાં ફાંસી રોકવા અરજી કરી હતી. સરકારી વકીલે એડિશનલ સેશન્સ જજ ધર્મેન્દ્ર રાણાને કહ્યું હતું કે, અક્ષય અને પવનની દયાની બીજી અરજી એ આધારે ફગાવાઈ હતી કે તેમની પહેલી દયા અરજી ફગાવીને તેને આધારે ચુકાદો આપવામાં આવ્યો હતો.
તિહાર જેલમાં ડમી ફાંસીનું રિહર્સલ
તિહાર જેલમાં ચારેય આરોપીઓને ફાંસીએ લટકાવવાનો ફંદો તૈયાર કરવામાં આવ્યો છે. જેલમાં બે સહાયક નિયામકો દીપક શર્મા અને જય સિંહને ફરજ પર તહેનાત કરાયા છે. જેઓ ફાંસીની કામગીરી પર દેખરેખ રાખશે. જલ્લાદ પવન દ્વારા બુધવારે ડમી ફાંસીનું રિહર્સલ કરાયું હતું. તમામ આરોપીઓને જેલ નંબર ૩માં ફાંસીની કોટડીમાં ખસેડવામાં આવ્યા હતા. આરોપીઓને સવારે ૩ કલાકે ઉઠાડીને સ્નાન કરવા છૂટ અપાશે અને પછી નાસ્તો તેમજ પ્રાર્થના કરવા છૂટ અપાશે. ફાંસી પછી ડીડીયુ હોસ્પિટલમાં તેમનું પોસ્ટમોર્ટમ કરાશે.
અક્ષયની પત્નીની છૂટાછેડાની અરજીથી ફાંસી રોકી શકાશે નહીં
ફાંસી રોકવા માટે અક્ષયની પત્નીએ તેની સાથે છૂટાછેડા લેવાની અરજી કરી છે જેની સુનાવણી ૨૪ માર્ચે છે પણ આના કારણે ફાંસી રોકી શકાશે નહીં. દોષિતોના વકીલ એ પી સિંહે કહ્યું કે, અક્ષયની પત્ની પીડિત છે તેને ફાંસી પહેલાં તલાક મળે તે જરૂરી છે. વરિષ્ઠ વકીલ ઉજ્જવલ નિકમે કહ્યું કે તલાકની અરજી પેન્ડિંગ હોય તો ફાંસી રોકી શકાય નહીં.
બાળકોનો જીવ ન લો : દોષિતોના વકીલ
પતિયાલા હાઉસ કોર્ટમાં નિર્ભયાના દોષિતોના વકીલ એ પી સિંહે કહ્યું કે બાળકોનો જાન ન લો, તેમને ફાંસીએ ન લટકાવો. તેમને ભારત-પાક સીમા પર મોકલી દો કે ડોકા લા મોકલી દો પણ ફાંસીએ ન લટકાવો. તેઓ દેશની સેવા કરવા તૈયાર છે તેવી હું એફિડેવિટ દ્વારા ખાતરી આપવા તૈયાર છું. પ્રકૃતિ કહે છે કે રસ્સી ખરીદશો તો ફાંસીએ લટકાવવા માસ્ક વધારવા પડશે. માસ્કથી પણ કોઈ ઇલાજ થશે નહીં. સાડા ૧૬ વર્ષનાં બાળકને ફાંસી ન આપો. આ અન્યાય છે. પ્રેશરમાં ફાંસી અપાઈ રહી છે. મીડિયા અને રાજકીય પ્રેશર છે. તેઓ કોઈ આતંકી નથી. રીઢા ગુનેગાર નથી. તે જુઓ.
વિનય શર્માની માતાની અંતિમ ઇચ્છા : બેટાને પૂરી, શાક ખવડાવવાની છે
આરોપી વિનય શર્માની માતાએ કહ્યું હતું કે તેની અંતિમ ઇચ્છા બેટાને પૂરી, શાક અને કચોરી ખવડાવવાની છે. આ મહિલા પોતાને નિર્ભયા કેસના આરોપી વિનય શર્માની માતા તરીકે ઓળખાવે છે. તેમણે પત્રકારોને કહ્યું કે તમે શું લખશો? તમારા લખવાથી મારા પુત્રની ફાંસી રોકી શકાઈ છે? ઈશ્વરની મરજી હશે તો મારો પુત્ર બચી જશે. આ કોરોના વાઇરસને જુઓ ભગવાનની મરજી હશે તેને મારશે અને જીવાડશે.
મુકેશ અને પવનના દાવ નિષ્ફ્ળ ગયા
ફાંસીની સજાથી બચવા માટે ઘટનાને દિવસે પોતે દિલ્હીમાં હાજર જ ન હતો તેવો દોષિત મુકેશનો દાવ નિષ્ફળ ગયો હતો. સુપ્રીમ કોર્ટે આ અરજી ધ્યાને લેવાને લાયક ગણી ન હતી. બીજા અપરાધી પવન સગીર હોવાથી તેને ફાંસી આપવી ન જોઈએ તેવી દલીલ કોર્ટે ફગાવી હતી. કોર્ટે કહ્યું કે આ કોઈ કેસ નથી.
તેઓ ચારેય ફાંસી પર જરૂર લટકશે, હવે નિર્ભયાને ન્યાય મળશે : નિર્ભયાની માતા
નિર્ભયાની માતા આશા દેવીએ કહ્યું કે તેઓ ચારેય ફાંસી પર લટકશે, જરૂર લટકશે. હવે નિર્ભયાને ન્યાય મળશે. કોર્ટે દોષિતોને તમામ કાનૂની વિકલ્પો આપ્યા હતા જે નિષ્ફળ ગયા છે. હવે કોર્ટ અને લોકો તેમની પેંતરાબાજી સમજી ગયા છે.
ત્રણ ડેથ વોરન્ટ જારી કરાયા હતા
પહેલું વોરન્ટ
૨૨ જાન્યુઆરીએ સવારે ૬ કલાકે ફાંસી આપવાનું હતું. જે મોકૂફ રહ્યું.
બીજું વોરન્ટ
૧ ફેબ્રુઆરીએ ફાંસીનું ડેથ વોરન્ટ પણ ફાંસી ટળી ગઈ.
ત્રીજું વોરન્ટ
૩ માર્ચે સવારે ૬ કલાકે ફાંસી થવાની હતી પણ પવનનો કાનૂની વિકલ્પ બાકી હોવાથી ફાંસી ટળી.
ચોથું વોરન્ટ
૨૦ માર્ચે સવારે ૫.૩૦ કલાકે ફાંસી આપવાનો આદેશ.
નીચલી કોર્ટે ફાંસીની સજા કરી હતી
- ઘટનાના ૯ મહિના પછી સપ્ટેમ્બર ૨૦૧૩માં નીચલી કોર્ટે ૫ દોષિતો રામસિંહ, પવન, અક્ષય, વિનય અને મુકેશને ફાંસીની સજા કરી હતી.
- માર્ચ ૨૦૧૪માં હાઇકોર્ટે ફાંસીની સજાને બહાલ કરી હતી.
- મે ૨૦૧૭માં સુપ્રીમ કોર્ટે ફાંસીની સજાને બહાલી આપી હતી.
- ટ્રાયલ વખતે મુખ્ય આરોપી રામસિંહે તિહાર જેલમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી.
- બીજા એક સગીર દોષિતને ૩ વર્ષ સુધાર ગૃહમાં રાખીને છોડી મુકાયો હતો.
નિર્ભયા કેસની ટાઇમલાઇન
- ૨૦૧૩ : જાન્યુઆરી ૩ : દિલ્હી પોલીસે તમામ આરોપીઓ સામે ચાર્જશીટ ફાઇલ કરી
- જાન્યુઆરી ૨૮ : જુવેનાઇલ જસ્ટિસ બોર્ડે છઠ્ઠા આરોપીને સગીર ગણાવ્યો
- ફેબ્રુઆરી ૨ : પાંચ આરોપીઓ સામે ખૂન સહિતના ૧૩ ગુનાઓનો આરોપ
- માર્ચ ૧૧ : બસ ડ્રાઇવર રામસિંહે તિહાર જેલમાં પોતાના સેલમાં આપઘાત કર્યો
- ૩૧ ઓગસ્ટ : સગીર આરોપીને ૩ વર્ષની સજા
- ૧૩ સપ્ટેમ્બર : સાકેત કોર્ટે બાકીના ૪ આરોપીઓને ફાંસીની સજા સંભળાવી.
- ૨૦૧૪ ૧૩ માર્ચ : દિલ્હી હાઇકોર્ટે ફાંસીની સજા બહાલ રાખી
- ૨૦૧૬ એપ્રિલ ૩ : સુપ્રીમ કોર્ટે આ કેસની સુનાવણી હાથ પર લીધી
- ૨૦૧૬ ૫ મે : સુપ્રીમે ફાંસીની સજા પર મંજૂરીની મહોર લગાવી.
- ૨૦૧૮ જુલાઈ ૯ : આરોપીઓ પવન, મુકેશ, વિનયની રિવ્યૂ પિટિશન સુપ્રીમે ફગાવી
- ૨૦૧૯ ઓક્ટો. ૨૯ : તિહાર જેલે નિર્ભયાના ગુનેગારોને દયા અરજી દાખલ કરવા માટે સાત દિવસનો સમય આપ્યો
- ૨૦૨૦ જાન્યુઆરી ૭ : દિલ્હી કોર્ટે તમામ ૪ ગુનેગારો માટે ડેથ વોરંટ જારી કર્યું. તમામ આરોપીઓને ૨૨ જાન્યુઆરીએ સવારના સાત વાગ્યે તિહાર જેલમાં ફાંસી અપાશે.
- ૧૪ જાન્યુઆરી : વિનય અને મુકેશની ક્યૂરેટિવ પિટિશન સુપ્રીમે ફગાવી, બંનેએ રાષ્ટ્રપતિને દયાની અરજી કરી
- ૧૭ જાન્યુઆરી : રાષ્ટ્રપતિએ મુકેશની દયા અરજી ફગાવી, કોર્ટે ફરીથી ડેથ વોરંટ જારી કર્યો.
- ૫ માર્ચ : દિલ્હી કોર્ટ દ્વારા ચારેય આરોપીઓની ફાંસી માટે ૨૦ માર્ચનો ડેથ વોરંટ જારી કરાયો.

