નિર્ભયા પર સામૂહિક બળાત્કાર અને હત્યાના દોષિતોને શુક્રવારે સવારે ફાંસીની સજા આપી દેવામાં આવી છે. જેના પર નિર્ભાયની માતા આશા દેવીએ કહ્યું કે, આજનો દિવસ દેશની દીકરીઓના નામે છે. આખરે નિર્ભયાને ન્યાય મળ્યો ખરો. નિર્ભયાકાંડથી સમગ્ર દેશ શરમમાં ડૂબી ગયો હતો, જેને આજે ન્યાય મળ્યો છે.
નિર્ભયાની માતા આશા દેવીએ કહ્યું કે હું કાયદા વ્યવસ્થાનો આભાર વ્યક્ત કરું છું. ભલે મોડા તો મોડા પણ મારી દીકરીને ન્યાય તો મળ્યો. મારી દીકરીના ચારેય દોષિતોને ફાસી આપીને ન્યાયતંત્રએ ફરી એક વખત સાબિત કરી દીધું કે જો દેશની દીકરીઓ સાથે કોઈ પણ અન્યાય કરશે તો તેને પણ કડકમાં કડક સજા મળશે.
દોષિતોને ફાંસીના માચડે લટકાવી દેવાયા બાદ નિર્ભયાના પિતાએ કહ્યું કે આજે મારી દીકરીને ન્યાય મળ્યો છે. આજે તેની આત્માને શાંતિ મળી હશે આજે મારી દીકરી જ્યાં પણ હશે ત્યાં ખૂબ ખુશ થતી હશે.
નિર્ભયા કેસમાં પવન સિંહની ફાંસી રોકવા માટે થયેલી અરજી પર ગુરૂવારે મધ્ય રાત્રીએ 2.30 વાગ્યે સુનાવણી થઈ હતી. કોર્ટમાં સુનાવણી દરમિયાન વકીલ એ પી સિંહે પવનની સ્કૂલના પ્રમામપત્ર, સ્કૂલ રજિસ્ટર અને પવનની સ્કૂલના હાજરી પત્રક રજૂ કર્યા હતા.
વકીલ એ પી સિંહે કોર્ટમાં દલીલ કરતા કહ્યું કે આ ઘટના વખતે પવન સગીર હતો. એપી સિંહની આ દલીલ પર જસ્ટિસ ભૂષણે કહ્યું કે આ દસ્તાવેજો પહેલા પણ તેઓ કોર્ટમાં રજૂ કરી ચૂક્યા છે. જે અંગે અગાઉ ચર્ચા થઈ ચૂકી છે તેના તે જ વિષયોને ફરીથી મુદ્દો બનાવીને ચર્ચા કરવાનો કોઈ અર્થ જ નથી રહેતો.

