પુલવામા હુમલા બાદ ભારતીય વાયુસેનાએ બાલાકોટ પર એર સ્ટ્રાઈક કરીને આતંકી પ્રશિક્ષણ આપતા કેમ્પોને ટાર્ગેટ કર્યા બાદ ફફડેલા આતંકવાદી સંગઠનોએ પોતાના આતંકવાદી કેમ્પોને પાકિસ્તાનમાંથી અફઘાનિસ્તાનમાં ખસેડી લીધા છે.
ગુપ્તચર એજન્સીઓને મળેલી જાણકારી પ્રમાણે જૈશે મહોમ્મદ અને લશ્કરે તોઈબા જેવા આતંકવાદી સંગઠનના ઘણા આતંકવાદીઓ અફઘાનિસ્તાનના વિવિધ પ્રાંતોમાં શિફ્ટ થઈ ગયા છે.જ્યાં તેમણે તાલિબાની આતંકવાદીઓ સાથે હાથ મિલાવી લીધા છે.
જોકે તેના કારણે હવે અફઘાનિસ્તાનમાં કાર્યરત ભારતીય દૂતાવાસ અને બીજી કચેરીઓને એલર્ટ કરી દેવાઈ છે.કારણકે પાકિસ્તાનના આતંકવાદીઓ બાલાકોટ એરસ્ટ્રાઈકનો બદલો લેવા માટે દૂતાવાસ અને કચેરીઓને નિશાન બનાવી શકે છે તેવી પણ બાતમી એજન્સીઓને મળી છે.
આજ કારણ છે કે, મોદી સરકારે પાકિસ્તાની સરકારે આતંકવાદી સંગઠનો પર કાર્યવાહી કરવા માટે આપેલી ખાતરીને પોકળ ગણાવી છે.કારણકે સુરક્ષા એજન્સીઓ માને છે કે, આતંકવાદીઓ ડુરાન્ડ લાઈનની પેલી તરફ એટલેકે અફઘાનિસ્તાનમાં શિફ્ટ થઈ ગયા છે.હવે પાકિસ્તાન તેમના પર કાર્યવાહી કરવાનુ નથી.

