સતત બીજી વખત લોકસભાની ચૂંટણી જીત્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના પ્રથમ અધિકૃત વિદેશપ્રવાસ માટે માલદીવને પસંદ કર્યું છે નરેન્દ્ર મોદીએ પોતાના બીજા શપથગ્રહણ સમારોહ માટે ગત વખતની જેમ દક્ષિણ એશિયન પ્રાદેશિક સહયોગ સંગઠન (સાર્ક)ને બદલે બિમસ્ટેક રાષ્ટ્રના નેતાઓને આમંત્રણ પાઠવ્યું હતું, જેમાં થાઇલૅન્ડ અને મ્યાંમાર જેવા દેશો પણ સામેલ છે. જોકે, માલદીવનો આમાં સમાવેશ થતો નથી. સ્પષ્ટ છે કે ભારતીય વિદેશનીતિને ઘડનારા લોકોનાં મનમાં એ વાત આવી જ હશે કે આ પગલું ક્યાંક માલદીવને ખટકે નહીં. માલદીવ દક્ષિણ એશિયા અને અરબી સમુદ્રમાં સ્ટ્રેટેજિક લોકેશન પર છે, જે ભારત માટે હવે પહેલાંથી ક્યાંય વધુ મહત્ત્વ ધરાવે છે. માલદીવમાં ભારતીય રાજદૂત સંજય સુધીર પણ આ વાત સાથે સહતમ થાય છે.
બીબીસી સાથે થયેલી ખાસ વાતચીતમાં તેમણે કહ્યું, “માલદીવ આપણી ‘નૅબરહુડ ફર્સ્ટ પૉલિસીનો બહુ મોટો ભાગ છે. મધ્ય-પૂર્વમાંથી તેલ અને ગૅસની આપણે જેટલી આયાત કરીએ છીએ, એમાંથી બહુ મોટો ભાગ ‘એ ડિગ્રી’ એટલે કે માલદીવની નજીકમાંથી પસાર થાય છે.” “આ ઉપરાંત હિંદ મહાસાગરના આ વિસ્તારમાં શાંતિ-સ્થિરતા રહે એ પણ જરૂરી છે. વળી, ભારત માલદીવમાં એક વિશ્વસનીય ડેવલપમૅન્ટ પાર્ટનરની ભૂમિકા પણ ભજવે છે.” ભારતીય વિદેશસચિવ વિજય ગોખલેએ પણ એ વાત પર ભાર આપ્યો હતો કે ‘વડા પ્રધાનના પ્રવાસ દરમિયાન વિકાસ અને સુરક્ષા સંબંધી કેટલીય મહત્ત્વની સમજૂતી થશે.’ વડા પ્રધાન માલદીવને પ્રથમ વિદેશ પ્રવાસ માટે પસંદ કર્યું એ પાછળ ચીન પણ એક મોટું કારણ હોવાનું જણાવાઈ રહ્યું છે.
ચીને છેલ્લા એક દાયકાથી હિંદ મહાસાગરમાં પોતાનો પ્રભાવ વધારવા માટેનું અભિયાન વેગવંતું બનાવ્યું છે. આ કડીનો પ્રથમ ભાગ શ્રીલંકાને ગણાવાઈ રહ્યો છે અને બાદમાં માલદીવ પર ધ્યાન કેન્દ્રીત કરાઈ રહ્યું છે. વેપાર, આર્થિક મદદ અને માળખાકીય સુવિધાઓ ચીન આ દેશોમાં ઝડપથી પગ ઘાલવામાં અમુક હદ સુધી સફળ પણ રહ્યું છે. જોકે, આ બન્ને રાષ્ટ્રો ચીનની સરખામણીએ ભારત સાથે ભૌગોલિક અને સાંસ્કૃતિક તેમજ નાનામોટા વેપાર થકી વધું જોડાયેલાં છે.
તેમ છતાં માલદીવ પર ભારતનો પ્રભાવ છેલ્લાં કેટલાંક વર્ષોથી થોડો ઘટ્યો હતો. વર્ષ 2013થી 2018 સુધી અહીં અબ્દુલ્લા યામીનની સરકાર હતી. તેણે લીધેલાં કેટલાંક પગલાં ભારતને માફક નહોતાં આવ્યાં. તેઓ ચીનની નજીક હતા. માલદીવમાં ભારતના પૂર્વ રાજદૂત ગુરજીતસિંહ પણ આ વાતને સ્વીકારે છે. તેમણે કહ્યું, “જો તમામ સાર્ક રાષ્ટ્રોની વાત કરમાં આવે તો છેલ્લાં ગત વર્ષોમાં પાકિસ્તાન બાદ માલદીવ સાથે ભારતના સંબંધો ઘણા ખરાબ થઈ ગયા હતા. એટલે આ પ્રવાસ એકમદ યોગ્ય સમયે થઈ રહ્યો છે.”

