ભારતીય મહિલા ક્રિકેટ ટીમે વિમેન્ટ ટી20 વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડ સામેની રોમાંચક મેચ ચાર રને જીતી લીધી છે. આ સાથે જ ભારતીય મહિલા ક્રિકેટ ટીમે વર્લ્ડ કપમાં જીતની હેટ્રિક નોંધાવી દીધી છે. ભારતે 134 રનના લક્ષ્યાંક સામે ન્યૂઝીલેન્ડની ટીમ 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 129 રન જ કરી શકી હતી.
ગ્રુપ એની આ મેચ રોમાંચક બની રહી હતી. ભારતીય ટીમમાંથી ઓપનર શેફાલીએ 34 બોલમાં સૌથી વધુ 46 રનનો સ્કોર નોંધાવ્યો છે જેમાં ત્રણ છગ્ગા અને ચાર ચોગ્ગા ફટકાર્યા હતા. શેફાલીને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો. આ ઉપરાંત વન ડાઉન બેટિંગમાં ઉતરેલી તાનિયા ભાટીયાએ પણ 25 બોલમાં 23 રન કર્યા હતા. 20 ઓવરમાં ભારતીય મહિલા ટીમે આઠ વિકેટ ગુમાવીને 133 રન કર્યા હતા.
ન્યૂઝીલેન્ડની મહિલા ટીમ સામે જીતવા માટે 134 રનનો લક્ષ્યાંક હતો. ભારત તરફથી બેટિંગ અને બોલિંગ ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન રહેતા ટીમનો સળંગ ત્રીજો વિજય થયો હતો. ભારતીય બોલર્સ દિપ્તી શર્મા, પૂનમ યાદવ, શીખા પાંડે, રાજેશ્વરી ગાયકવાડ અને રાધા યાદવે એક-એક વિકેટો ઝડપી હતી. ન્યૂઝીલેન્ડની બેટિંગમાં એમિલા કેર 19 બોલમાં 34 રન કરી અણનમ રહી હતી, એમિલાનો સ્કોર ટીમમાં સૌથી વધુ રહ્યો હતો.
ન્યૂઝીલેન્ડ સામેની આ મહત્વની મેચ હતી. અગાઉ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને મ્હાત આપી હતી અને ત્યારબાદ બાંગ્લાદેશ સામે પણ વિજય મેળવતા હવે વિજય હેટ્રિક પર નજર છે. ભારતીય વિમેન્સ ટીમની કેપ્ટન હરમનપ્રતિ કૌર ફક્ત એક રનમાં આઉટ થઈ ગઈ હતી. સ્મૃતિ મંધાનાએ 11 જ્યારે જેમિમા રોડ્રિગ્ઝે 10 રન કર્યા હતા. રાધા યાદવે નવ બોલમાં 14 રન કરતા ભારતનો સ્કોર 130 ઉપર પહોંચ્યો હતો.