દિલ્હી હાઈકોર્ટના જજ એસ મુરલીધરની બદલીથી કોંગ્રેસ લાલઘૂમ, ભાજપ પર પ્રહાર

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

દિલ્હીમાં હિંસા સામે હાઈકોર્ટના જજ એસ મુરલીધરે કડક હાથે કામ લીધા બાદ રાતોરાત કેન્દ્ર સરકાર દ્વારા કરાયેલી બદલી સામે કોંગ્રેસ લાલઘૂમ થઈ છે. કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર ભાજપના નેતાઓને છાવરવા માટે ન્યાયાધીશની બદલી કરાઈ હોવાનો આક્ષેપ કર્યો છે. દિલ્હી હાઈકોર્ટના જજ એસ મુરલીધરે ગઈકાલે મહત્વના ચુકાદામાં દિલ્હી હીંસા બદલ ઉશ્કેરણીજનક ભાષણ કરનાર ભાજપના નેતાઓ સામે ફરિયાદ દાખલ કરવા આદેશ આપ્યો હતો. ત્યારબાદ બુધવારે રાતોરાત જ તેમની ટ્રાન્સફર અંગે નોટિફિકેશન જાહેર કર્યું હતું.

કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ જણાવ્યું કે ભાજપના બદલાના રાજકારણનો ચહેરો ઉઘાડો પડી ગયો છે. દિલ્હીમાં જે બની રહ્યું છે તેનાથી ભાજપની ખરી છબી ઉજાગર થઈ છે. એવું લાગે છે કે દેશમાં જે લોકો સાચો ન્યાય કરી રહ્યા છે તેમને હવે છોડવામાં નહીં આવે. જજ એસ મુરલીધરની બદલી અંગે રોષ વ્યક્ત કરતા સુરજેવાલાએ કહ્યું કે દિલ્હી હિંસા કેસમાં ભાજપના નેતાઓને છાવરવા માટે કેન્દ્ર દ્વારા જજની રાતોરાત બદલી કરી દેવાઈ છે.

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ દિલ્હી હાઈકોર્ટના જજની બદલી અંગે કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા હતા. પ્રિયંકાએ જણાવ્યું કે જજની બદલી એ ન્યાયના મોઢે ડૂમો મારવા જેવું છે તેમજ ન્યાય પ્રત્યે લોકોની આસ્થાને તોડવું ઘણું દુ:ખકારક છે.

દિલ્હી હાઈકોર્ટના જજની બદલીનું જાહેરનામું બુધવારે રાત્રે જાહેર કરાયું હતું અને તેમની પંજાબ તેમજ હરિયાણા કોર્ટમાં બદલી કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટની કોલેજીયમ દ્વારા આ જગ્યા ભરવા માટેની ભલામણના બીજા દિવસે જ જજ એસ મુરલીધરની બદલી કરવામાં આવી છે.

પ્રિયંકા ગાંધીએ જણાવ્યું કે દિલ્હી હાઈકોર્ટના જજ એસ મુરલીધરની રાતોરાત બદલી એ આઘાતજનક હોવાની સાથે સાથે દુ:ખદ અને શરમજનક પણ છે.