જાપાની શિપમાં ફસાયેલા 119 અને ચીનના વુહાનમાંથી 76 ભારતીયોને દિલ્હી લવાયા

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

જાપાનના યોકોહામા તટ પર રોકી રાખવામાં આવેલા ડાયમંડ પ્રિન્સેસ જહાજ પર ફસાયેલા 119 ભારતીયો અને પાંચ વિદેશી નાગરિકોને ગુરૂવારના રોજ દિલ્હી લાવવામાં આવ્યા છે. આ સાથે જ ચીનના વુહાન શહેર ખાતે ગયેલું વાયુસેનાનું વિમાન પણ ભારત પરત ફર્યું છે. જેમાં 76 ભારતીય અને 36 વિદેશી નાગરિકોને ભારત લાવવામાં આવ્યા છે. બંને વિમાનો દ્વારા ભારત લાવવામાં આવેલા ભારતીયોના થર્મલ સ્ક્રીનિંગ બાદ આઈટીબીપીની છાવણી સ્થિત ઓબ્ઝર્વેશન સેન્ટરમાં રાખાવમાં આવ્યા છે. 

પાનથી આવેલા પાંચ વિદેશીઓમાં શ્રીલંકા, નેપાળ, દક્ષિણ આફ્રિકા અને પેરુના નાગરિકોનો સમાવેશ થાય છે. ભારત સરકારે લોકોને ત્યાંથી નિકાળવામાં મદદ કરવા માટે જાપાન સરાકરનો આભાર વ્યક્ત કર્યો છે. 3 ફેબ્રુઆરીના દિવસથી જ ડાયમન્ડ પ્રિન્સેસ શિપને જાપાનના યોકોહામા પોર્ટ પર રોકી રાખવામાં આવ્યું હતું. જેમાં 138 ભારતીયો ફસાયેલા હતા જેમાં 16 લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે. 

વાયુસેનાના સ્પેશિયલ વિમાન સી-17 ગ્લોબલ માસ્ટર ચીનથી ગુરૂવારે સવારે 6.45 વાગ્યે દિલ્હી પહોંચ્યું હતું. આ વિમાન દ્વારા ભારત પહોંચેલા 112 લોકોને થર્મલ સ્ક્રીનિંગ બાદ આઈટીબીપીની છાવણીમાં આવેલા ઓબ્ઝર્વેશન સેન્ટરમાં રાખવામાં આવ્યા છે. વુહાનથી પરત ફરેલા 36 વિદેશી નાગરિકોમાં બાંગ્લાદેશ, મ્યાનમાર, માલદીવ, ચીન, દક્ષિણ આફ્રિકા, અમેરિકા અને મડાગાસ્કરના નાગરિકો છે. 

બુધવારે હિંડન એરબેઝથી સેનાના વિમાને વુહાન માટે ઉડાન ભરી હતી. તે વિમાનમાં 15 ટન ચિકિત્સા ઉપકરણો મોકલવામાં આવ્યા હતા. જેમાં માસ્ક, ગ્લવ્ઝ અને અન્ય ઈમરજન્સી ચિકિત્સા ઉપકરણોનો સમાવેશ થાય છે. વિમાન 20 ફેબ્રુઆરીના રોજ જ ચીન જવા માટે રવાના થયું હતું પરંતુ તેને ક્લીયરન્સ મળી શક્યું નહતું. સ્વાસ્થ્ય મંત્રાલયના એક અધિકારીએ 25 ફેબ્રુઆરીના રોજ આ વિમાન માટે ચીનની મંજૂરી મ‌ળ્યાની જાણકારી આપી હતી.