દિલ્હીમાં રૂ.131 કરોડના ખર્ચે ‘ગરવી ગુજરાત ભવન’નું નિર્માણ, પીએમ મોદી દ્વારા 2 સપ્ટે.એ લોકાર્પણ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

ગુજરાતના નાણાંમંત્રી નીતિન પટેલે આજે ગુજરાતીઓ માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. નીતિન પટેલ મુજબ, દિલ્હીના અકબર રોડ પર 131 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા ગુજરાત ભવનનું 2 સપ્ટેમ્બરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થશે. આ ભવનના ઉદ્ઘાટન સમયે કેન્દ્રીય મંત્રીઓ સહિત ગુજરાત સરકારના મંત્રી મંડળના સભ્યો પણ ઉપસ્થિત રહેશે. મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં નવા ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. નવા ભવનનું નામ ગુજરાત ભવનના બદલે ગરવી ગુજરાત રહેશે. દિલ્હીમાં ગુજરાતની કળા-સંસ્કૃતિ, રીત રિવાજોનો પરિચય થાય, ગુજરાતના પ્રવાસનને વધુ વેગ મળે તે માટે એક સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાશે.

જમીન કેન્દ્ર સરકારે ફાળવી, કિંમત રાજ્ય સરકારે ચૂકવી
દિલ્હીમાં વર્ષોથી ગુજરાત ભવન કાર્યરત છે. પરંતુ વધતી જતી જરૂરિયાતો અને નાગરિકોના ધસારાને પગલે આ ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ નવ નિર્મિત ભવન માટે ગુજરાત સરકારની વિનંતિને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારે 7066 ચોરસ મીટર જમીન અકબર રોડ ઉપર ફાળવી હતી. જેની તમામ કિંમત રાજ્ય સરકારે ભરી દીધી હતી.

કઈ કઈ સુવિધાઓ

અત્યાધુનિક સુવિધાથી સજ્જ ગુજરાત ભવનમાં 20325 ચોરસ મીટર બિલ્ટ અપ એરિયા છે. જેમાં 19 સ્યૂટ રૂમ, 59 અન્ય રૂમ, બિઝનેસ સેન્ટર, 200 બેઠકની ક્ષમતા ધરાવતો હોલ, ચાર લોંજ, જીમનેશિયમ, યોગા સેન્ટર, ટેરેસ ગાર્ડન અને લાયબ્રેરી તથા 80 બેઠક વ્યવસ્થા સાથેનો કોન્ફરન્સ હોલ પણ છે.