ચિદમ્બરમની જામીન અરજી પર સુપ્રીમે તાત્કાલિક સુનાવણીનો ઇન્કાર કર્યો

મુખ્ય સમાચાર રાજકીય

સુપ્રીમ કોર્ટે બુધવારે કોંગ્રેસના નેતા અને પૂર્વ નાણાં મંત્રી પી ચિદમ્બરની વચગાળાની જામીન અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇન્કાર કરી દીધો હતો. આઈએનએક્સ મીડિયા કેસમાં પી. ચિદમ્બરના આગોતરા મંગળવારે દિલ્હી હાઈકોર્ટે ફગાવ્યા હતા. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે પી ચિદમ્બરની અરજીમાં કેટલીક ખામી છે જેથી અરજીને હાલ રદ કરવામાં આવી છે અને એટલા માટે તેના પર આજે તાત્કાલિક સુનાવણી થઈ શકશે નહીં.

કોઈ અરજીને લિસ્ટ કરાવ્યા વગર તેના પર સુનાવણી થઈ શકે નહીં તેમ જસ્ટિસ એન વી રમન્ના, જસ્ટિસ એમ શાંતનાગૌદર અને જસ્ટિસ અજય રસ્તોગીની ખંડપીઠે જણાવ્યું હતું.

દિલ્હી હાઈકોર્ટે જામીન ફગાવ્યા બાદ કોંગ્રેસના નેતા અને ચિદમ્બરના વકીલ કપિલ સિબ્બલે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. કપિલ સિબ્બલે સુપ્રીમ કોર્ટને આજે જ સુનાવણી કરવા માટે રજૂઆત કરી હતી. જો કે ત્રણ જજોની ખંડપીઠે સિબ્બલને જણાવ્યું કે, ‘સોરી મિસ્ટર સિબ્બલ અમે આજે આ અરજીની સુનાવણી નહીં કરી શકીએ.’

ઈડીએ આ કેસમાં ચિદમ્બરમ સામે લુકઆઉટ નોટિસ જાહેર કરી છે જેથી તેઓ જમીન, હવાઈ કે દરિયાઈ માર્ગે ક્યાંક વિદેશ ભાગી ના જાય તેની તકેદારી રાખવા જણાવાયું છે.

અગાઉ સવારે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એન વી રમન્નાએ જણાવ્યું હતું કે આ બાબતે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ નિર્ણય કરશે. ઈડી અને સીબીઆઈ તરફથી હાજર સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ત્રણ જજોની ખંડપીઠને જણાવ્યું હતું કે, આ મની લોન્ડરિંગનો ઐતિહાસિક કેસ છે.

યુપીએના પ્રથમમાં પી ચિદમ્બરમના નાણાં મંત્રી તરીકેના કાર્યકાળમાં એફઆઈપીબીએ બે કંપનીઓને વિદેશી રોકાણ લાવવાની મંજૂરી આપી હતી. INX મીડિયા કેસમાં સીબીઆઈએ 15 મે 2017માં એફઆઈઆર દાખલ કરી હતી. જેમાં આરોપ લગાવ્યો હતો કે નાણાં મંત્રી તરીકે ચિદમ્બરમના કાર્યકાળમાં 2007માં મીડિયા જૂથને રૂ. 305 કરોડનું રોકાણ મેળવવા માટે અપાયેલી મંજૂરીમાં ગેરરીતિ આચરવામાં આવી હતી. ત્યારબાદ ઈડીએ ગત વર્ષે મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો હતો.