પી. ચિદંબરમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા ED અને CBIનો ઉપયોગ કરી રહી છે સરકાર: રાહુલ

મુખ્ય સમાચાર રાજકીય

INX મીડિયા મામલે પૂર્વ નાણામંત્રી પી. ચિદંબરમને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પછી રાહુલ ગાંધીનો સાથ મળ્યો છે. આ મુદ્દે રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધતા ઇડી અને સીબીઆઇનો દુર ઉપયોગ કરી પી. ચિદંબરમની પ્રતિષ્ઠા ખરાબ કરવાનો આરોપ લગાવ્યો હતો. રાહુલે આ મામલે ટ્વિટ કરી હતી કે, ચિદંબરમની છબીને ખરાબ કરવા માટે મોદી સરકાર ઇડી અને સીબીઆઇ અને મીડિયાનો ઉપયોગ કરી રહી છે. હું સત્તામાં આ દુર ઉપયોગની કડક નિંદા કરું છું.

આ પહેલા કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ બુધવારે આરોપ લગાવ્યો હતો કે, સરકાર શરમજનક રીતે ચિદંબરમની પાછળ પડી ગઇ છે, કારણ કે તેઓ બેધડક સાચુ બોલે છે અને સરકારની નિષ્ફળતાઓને ખુલ્લી પાડતા આવ્યા છે. પ્રિયંકા ગાંધીએ તેમના સમર્થનમાં ટ્વિટ કરી હતી કે, ખૂબ જ યોગ્ય અને સન્માનિત રાજ્યસભા સભ્ય પી. ચિદંબરમે દસકાઓ સુધી નાણા મંત્રી, ગૃહ મંત્રી અને અન્ય પદો પર વફાદારીથી દેશની સેવા કરી છે.

બીજી તરફ ઇડીએ INX મીડિયા મામલે પી. ચિદંબરમ વિરુદ્ધ એક નવી લુક આઉટ નોટિસ જારી કરી હતી. આ નોટિસ કોંગ્રેસ નેતા વિરુદ્ધ બધા જ માર્ગો, એરપોર્ટ તથા પોર્ટ પર મોકલી દેવામાં આવી હતી. આ નોટિસમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે, પી. ચિદંબરમે ઇડીની મંજૂરી વગર ભારતની બહાર ન જવા દેવા.